News of Friday, 10th January 2025
૫૦૦ રૂપિયા માટે મોટા ભાઈએ નાના ભાઈની કરી હત્યા

મુંબઈ, તા.૧૦: કલ્યાણ-વેસ્ટના રોહિદાસનગરમાં રહેતા ૩૨ વર્ષના સલીમ ખાને મંગળવાર રાતે માત્ર ૫૦૦ રૂપિયા માટે તેના ૨૭ વર્ષના નાના ભાઈ નસીમ ખાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. બાઝારપેઠ પોલીસે હત્યાના ૧૨ કલાકની અંદર પલાયન થઈ ગયેલા સલીમની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ નશામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
સલીમ તેના નાના ભાઈ નસીમને છરીના ઘા ઝીંકી લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો એમ જણાવતાં બાઝારપેઠ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘કહયું હતું કે ‘મંગળવારે રાતે બન્નેની મમ્મી માર્કેટમાં ગઈ હતી. એ દરમ્યાન સલીમના ખિસ્સામાંથી નસીમે ૫૦૦ રૂપિયા કાઢયા હતા, જેનાથી રોષે ભરાઈને બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. બોલાચાલી વધતાં ઘરમાં રહેલા ચાકુથી સલીમે નસીમ પર હુમલો કર્યો હતો અને લોહીલુહાણ હાલતમાં તેને છોડીને ભાગી ગયો હતો. બંનેની મમ્મી ઘરે આવી ત્યારે તેણે નસીમને જખમી હાલતમાં જોઈને તાત્કાલિક ઇલાજ માટે કલ્યાણની રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મળત્યુ થયું હતું. આ ઘટનાની જાણ અમને થતાં અમે થાણે વિસ્તારમાંથી આરોપીને પકડી પાડયો હતો.'
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
