<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ખાલિસ્‍તાનીઓનો ગઢ બની ગયેલા કેનેડાના આગામી હિન્‍દુ વડાપ્રધાન હશે

કેનેડાના આ સર્વોચ્‍ચ પદ માટે ચંદ્ર આર્ય અને અનિતા આનંદે ઉમેદવારી નોંધાવી છેઃ બંને ભારતીય મૂળના હિન્‍દુ સાંસદ

નવી દિલ્‍હી, તા.૧૦: કેનેડાના વડા પ્રધાન જસ્‍ટિન ટ્રુડોએ રાજીનામું આપવાની જાહેરાત કરી. આ પછી, ખાલિસ્‍તાનીઓનો ગઢ બની ગયેલા કેનેડાના આગામી વડાપ્રધાન અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ઘણા દાવેદારોના નામ સામે આવી રહયા છે. આમાં બે ભારતીયોના નામ પણ સામેલ છે. કેનેડાના આ સર્વોચ્‍ચ પદ માટે ચંદ્ર આર્ય અને અનિતા આનંદે પોતાની ઉમેદવારી રજૂ કરી છે. બંને ભારતીય મૂળના હિન્‍દુ સાંસદ છે.

કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદને જસ્‍ટિન ટ્રુડોના ઉત્તરાધિકારી તરીકે અગ્રણી ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત, ડોમિનિક લેબ્‍લેક્ર, ક્રિસ્‍ટિયા ફ્રીલેન્‍ડ, મેલાની જોલી, ફ્રાક્રોઇસ-ફિલિપ શેમ્‍પેન અને માર્ક કાર્ની જેવા નામો પણ વિચારણા હેઠળ છે.

અનિતા આનંદ કોણ છે?

અનિતા આનંદે ૨૦૧૯ માં ઓકવિલેથી સંસદ સભ્‍ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો. ત્‍યારબાદ તેણીએ જાહેર સેવાઓ અને પ્રાપ્‍તિ મંત્રી, રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી અને ટ્રેઝરી બોર્ડના પ્રમુખ તરીકે સેવા આપી છે. ૨૦૨૪ થી તેઓ પરિવહન અને આંતરિક વેપાર મંત્રી છે. અનિતા આનંદનો જન્‍મ ૨૦ મે, ૧૯૬૭ ના રોજ કેન્‍ટવિલે, નોવા સ્‍કોટીયામાં થયો હતો. તેમના માતા-પિતા ડૉ. સરોજ ડી રામ અને એસ.વી. આનંદ ભારતથી કેનેડા સ્‍થળાંતરિત થયા હતા. તેમણે ૧૯૮૫માં ઓન્‍ટારિયોમાં રાજકીય વિજ્ઞાનનો અભ્‍યાસ શરૂ કર્યો અને પછી ઓક્‍સફર્ડ યુનિવર્સિટીમાંથી ન્‍યાયશાસ્‍ત્રમાં બીએ (ઓનર્સ) ની ડિગ્રી મેળવી. ત્‍યારબાદ તેમણે ડેલહાઉસી યુનિવર્સિટી અને ટોરોન્‍ટો યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્‍નાતક અને માસ્‍ટર ડિગ્રી મેળવી.

૧૯૯૫માં, અનિતા આનંદે કેનેડિયન વકીલ અને ઉદ્યોગપતિ જોન નોલ્‍ટન સાથે લગ્ન કર્યા. તેમને ચાર બાળકો છે. તે ૨૧ વર્ષથી વધુ સમયથી ઓકવિલેમાં રહે છે અને ૨૦૧૯ થી ત્‍યાંના સાંસદ છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન જાહેર સેવા મંત્રી તરીકે અનિતા આનંદે મુખ્‍ય ભૂમિકા ભજવી હતી. તેમણે કેનેડા માટે ઓક્‍સિજન, માસ્‍ક, પીપીઈ કીટ, રસીકરણ પુરવઠો અને ઝડપી એન્‍ટિજેન પરીક્ષણ જેવા તબીબી પુરવઠાની સુલભતામાં સુધારો સુનિશ્‍ચિત કર્યો.

ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ જાહેરાત કરી કે તેઓ લિબરલ નેતળત્‍વ માટે ચૂંટણી લડશે. તેઓ કેનેડાને એક સાર્વભૌમ રાષ્ટ્ર બનાવવા, નિવળત્તિ વય વધારવા, નાગરિકતા આધારિત કર પ્રણાલી રજૂ કરવા અને પેલેસ્‍ટાઇન રાજ્‍યને માન્‍યતા આપવાનું વચન આપી રહ્‍યા છે. કર્ણાટકમાં જન્‍મેલા ઓટાવાના સાંસદે ગુરુવારે કહ્‍યું કે તેઓ કેનેડાને એક સાર્વભૌમ પ્રજાસત્તાક બનાવવા માંગે છે, જેના માટે રાજ્‍યના વડા તરીકે રાજાશાહીને બદલવાની જરૂર પડશે. ‘‘કેનેડા માટે પોતાના ભાગ્‍યનો સંપૂર્ણ નિયંત્રણ લેવાનો સમય આવી ગયો છે,‘‘ તેમણે એક નિવેદનમાં કહયું.

(11:23 AM IST)