<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

કોઈપણ ગેરરીતિ વિના ચૂંટણીઓ યોજાઈ ૪ મહિનામાં વચન પૂર્ણ થયું

ઓમર અબ્‍દુલ્લાએ પીએમ મોદીની પ્રશંસા કરી

શ્રીનગર, તા.૧૩: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી સોમવારે જમ્‍મુ અને કાશ્‍મીરના ગાંદરબલ પહોંચ્‍યા. અહીં તેમણે ઝેડ-મોર ટનલનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન જમ્‍મુ અને કાશ્‍મીરના મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લા, જમ્‍મુ અને કાશ્‍મીરના લેફ્‌ટનન્‍ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ તેમની સાથે હાજર હતા. ટનલના ઉદ્ધાટન પછીના પોતાના સંબોધનમાં, મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લાએ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા બદલ પીએમ મોદીનો આભાર માન્‍યો. તેમણે કહ્યું કે તમે ૪ મહિનામાં તમારું વચન પાળ્‍યું અને તમે જે કહ્યું તે પૂર્ણ કર્યું. તમે ખીણમાં કોઈપણ ખલેલ વિના ચૂંટણીઓ યોજી.

જમ્‍મુ અને કાશ્‍મીરના સીએમ ઓમર અબ્‍દુલ્લાએ કહ્યું, તમે (પીએમ મોદી) આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ પર શ્રીનગરમાં તમારા કાર્યક્રમ દરમિયાન ૩ ખૂબ જ મહત્‍વપૂર્ણ વાતો કહી હતી. તમે કહ્યું હતું કે તમે દિલ કી દૂરી અને દિલ્લી કી દૂરી ને દૂર કરવા પર કામ કરી રહ્યા છો અને આ ખરેખર તમારા કાર્ય દ્વારા સાબિત થાય છે. તે દરમિયાન તમે જમ્‍મુ અને કાશ્‍મીરના લોકોને કહ્યું હતું કે ખૂબ જ ટૂંક સમયમાં ચૂંટણીઓ યોજાશે અને લોકોને તેમના મત દ્વારા તેમની સરકાર પસંદ કરવાની તક મળશે. તમે તમારો મુદ્દો રજૂ કર્યો અને ૪ મહિનાની અંદર ચૂંટણીઓ યોજાઈ ગઈ. નવી સરકાર ચૂંટાઈ આવી અને તેનું પરિણામ એ આવ્‍યું કે હું અહીં મુખ્‍યમંત્રી તરીકે તમારી સાથે વાત કરી રહ્યો છું.

તેમણે કહ્યું કે લોકોએ ઉત્‍સાહપૂર્વક ચૂંટણીમાં ભાગ લીધો હતો અને કયાંય પણ કોઈ ગોટાળા કે સત્તાના દુરુપયોગની ફરિયાદ મળી નથી. સીએમ ઓમર અબ્‍દુલ્લાએ વધુમાં કહ્યું, વડાપ્રધાન, તમે જમ્‍મુ અને કાશ્‍મીરને રાજ્‍યનો દરજ્જો પુનઃસ્‍થાપિત કરવાનું વચન પણ આપ્‍યું હતું. લોકો મને આ વિશે પૂછતા રહે છે અને હું તેમને યાદ અપાવતો રહું છું કે પીએમ મોદીએ ચૂંટણી યોજવાનું પોતાનું વચન પૂરું કર્યું. મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આ વચન પણ પૂર્ણ થશે અને જમ્‍મુ અને કાશ્‍મીર ફરી એકવાર આ દેશનું એક રાજ્‍ય બનશે.

આ ટનલ સોનમર્ગને આખું વર્ષ શ્રીનગર સાથે જોડશે : ઓમરે કહ્યું કે વડાપ્રધાન મોદીના પ્રયાસોને કારણે, સરહદ પર યુદ્ધવિરામથી દૂરના વિસ્‍તારોને ઘણો ફાયદો થયો છે. તેમણે કહ્યું કે, માચિલ, ગુરેઝ, કર્ણાહ કે કેરન હોય, વધુ પ્રવાસીઓના આગમનને કારણે લોકોને વિકાસ અને પર્યટનના સંદર્ભમાં ફાયદો થઈ રહ્યો છે. મુખ્‍યમંત્રીએ એમ પણ કહ્યું કે સોનમર્ગમાં ઝેડ-મોરહ ટનલના ઉદઘાટન સાથે, ઉપરના વિસ્‍તારોના લોકોને હવે મેદાનો તરફ મુસાફરી કરવાની જરૂર રહેશે નહીં કારણ કે આખું વર્ષ રોડ કનેક્‍ટિવિટી ઉપલબ્‍ધ રહેશે.

તેમણે ગયા વર્ષે ગગનગીરમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા Z-MORH ટનલ બાંધકામ પ્રોજેક્‍ટમાં સામેલ ૭ નાગરિકોને યાદ કર્યા. ગાંદરબલ જિલ્લામાં ગગનગીર અને સોનમર્ગને જોડતી આ ૬.૫ કિમી લાંબી બે-લેન ટનલનું નિર્માણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા દ્વારા રૂ.૨,૭૦૦ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્‍યું છે. આ સુરંગમાં ૭.૫ મીટર પહોળો ઇમરજન્‍સી એક્‍ઝિટ રૂટ પણ છે. ઓમર અબ્‍દુલ્લાએ જણાવ્‍યું હતું કે Z-MORH ટનલ ગંદરબલ જિલ્લામાં સોનમર્ગ રિસોર્ટને -ખ્‍યાત ગુલમર્ગ સ્‍કીઇંગ રિસોર્ટ શહેરની જેમ શિયાળુ રમતગમત સ્‍થળ તરીકે વિકસાવવામાં સક્ષમ બનાવશે.(૨૩.૩૨)

(3:46 PM IST)