<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

હર.. હર.. ગંગે.. જય ગંગા મૈયા..ના નાદ સાથે મહાકુંભનો પ્રારંભ

લાખો ભાવિકોએ પ્રયાગરાજમાં સ્‍નાન કર્યુઃ યોગી આદિત્‍યનાથે પોષ પુર્ણિમાની શુભેચ્‍છા પાઠવી

પ્રયાગરાજ, તા.૧૩: આજથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાના પ્રથમ સ્‍નાન સાથે જ મહાકુંભની શરૂઆત થઈ છે. ગઈકાલે મોડીરાતથી જ ભક્‍તોએ મેલા વિસ્‍તારમાં પ્રવેશવાની શરૂઆત કરી દીધી હતી અને વહેલી સવાર સુધીમાં સંગમ પર ભારે ભીડ જામી ગઈ હતી. સોમવારથી જ સંગમ ક્ષેત્રમાં મહિનાભરમાં કલ્‍પવાસનો પ્રારંભ થઈ ગયો છે. હર હર ગંગે અને જય ગંગા મૈયાના નાદ વચ્‍ચે સ્‍નાનની શરૂઆત થઈ અને વહેલી સવારે સંગમ સ્‍નાનાર્થીઓથી ભરાઈ ગયું હતું. આ શુભ અવસરે યુપીના સીએમ યોગી આદિત્‍યનાથે એક્‍સ પર પોસ્‍ટ કરીને પૌષ પૂર્ણિમાની શુભેચ્‍છાઓ પાઠવી છે.મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે કહ્યું કે, પોષ પૂર્ણિમાની શુભકામનાઓ. વિશ્વના સૌથી મોટા આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક મેળાવડો ‘મહાકુંભ'નો આજથી પવિત્ર નગરી પ્રયાગરાજમાં શુભારંભ થયો છે. શ્રદ્ધા અને આધુનિકતાના સંગમ પર ધ્‍યાન અને પવિત્ર સ્‍નાન માટે વિવિધતામાં એકતાનો અનુભવ કરવા આવેલા તમામ પૂજ્‍ય સંતો, કલ્‍પવાસીઓ, ભક્‍તોનું હૃદયપૂર્વક સ્‍વાગત છે. મા ગંગા તમારી બધી ઇચ્‍છાઓ પૂર્ણ કરે. મહાકુંભ પ્રયાગરાજના ઉધ્‍ઘાટન અને પ્રથમ સ્‍નાન માટે શુભકામનાઓ. સનાતન ગૌરવ-મહાકુંભ મહોત્‍સવ.

(4:41 PM IST)