<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

ઉતરાયણ પર્વે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ: 40 વર્ષ જૂની માંગ આખરે સંતોષાઈ: 2 વર્ષ પહેલા વચન આપ્યું હતું

હળદર બોર્ડની રચનાથી ખેડૂતોને ફાયદો થશે. રાષ્ટ્રીય હળદર બોર્ડ હળદર પ્રત્યે જાગૃતિ અને વપરાશ વધારશે. નિકાસ વધારવા માટે તે આંતરરાષ્ટ્રીય સ્તરે નવા બજારો વિકસિત કરશે.

નવી દિલ્હી : વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે હળદર બોર્ડને લોન્ચ કર્યું છે. 40 વર્ષ કરતા વધારે સમયથી પડતર માંગણી 14 જાન્યુઆરી 2024ના રોજ સંતોષાઈ ગઈ છે. પીયૂષ ગોયલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 2 વર્ષ પહેલા વચન આપ્યું હતું, તેમના વચનને પૂર્ણ કરવા માટે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. દેશના 20 રાજ્યોમાં ખેડૂતો હળદરનું વાવેતર કરે છે. વિશ્વની 70 ટકા હળદર ભારતમાં જ ઉત્પન્ન થાય છે. આપણા દેશમાં હળદરની 30 જાતો (વેરાયટી) છે, ઘણી જાતોની પાસે GI ટેગ પણ છે.

તેમણે કહ્યું કે, હળદર બોર્ડ માટે તેલંગાણાની પસંદગી રણનીતિ (સ્ટ્રેટજી)ના આધારે કરવામાં આવી છે. બોર્ડ દેશમાં હળદર અને તેના ઉત્પાદનોના વિકાસની સાથે નિકાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ બોર્ડ મૂલ્યવર્ધિત પ્રોડક્ટ બનાવવા, રિસર્ચ, ઈન્ફ્રા, એક્સપોર્ટ ડેસ્ટિનેશન, ઉત્પાદકતા વધારવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પીયૂષ ગોયલે કહ્યું કે, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકના ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ આજે સંતોષાઈ ગઈ છે. હળદર બોર્ડની રચનાથી ખેડૂતોને ફાયદો થશે. રાષ્ટ્રીય હળદર બોર્ડ હળદર પ્રત્યે જાગૃતિ અને વપરાશ વધારશે. નિકાસ વધારવા માટે તે આંતરરાષ્ટ્રીય સ્તરે નવા બજારો વિકસિત કરશે. બોર્ડ નવા ઉત્પાદનોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે.

ભારતમાંથી હળદરની નિકાસ 2030 સુધીમાં વધીને 1 બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારત વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક અને એક્સપોટર્સ દેશ છે. વર્ષ 2022-23માં 11.61 લાખ ટનના ઉત્પાદનની સાથે ભારતમાં 3.24 લાખ હેક્ટર જમીનમાં હળદરની ખેતી કરવામાં આવી હતી. ભારતમાં હળદરની 30થી વધારે વેરાયટીઓ ઉગાડવામાં આવે છે અને તે દેશના 20થી વધારે રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. હળદરના સૌથી મોટા ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ છે.

હળદરના વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 62 ટકાથી વધુ છે. 2022-23 દરમિયાન 380થી વધુ નિકાસકારો દ્વારા 207.45 મિલિયન ડોલરના મૂલ્યની 1.534 લાખ ટન હળદર અને હળદરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી. ભારતીય હળદરના મુખ્ય નિકાસ બજારો બાંગ્લાદેશ, યુએઈ, અમેરિકા અને મલેશિયા છે.

(7:50 PM IST)