News of Wednesday, 15th January 2025
ચૂંટણી પરિણામ વિશે ખોટુ બોલી ફસાયા ઝકરબર્ગ : મેટાએ હોબાળા બાદ માફી માંગી
સંસદીય સમિતિ મોકલશે સમન્સ

નવી દિલ્હી, તા.૧૫:માર્ક ઝુકરબર્ગની ભારત પરની ટિપ્પણી બદલ મેટાએ આખરે માફી માંગી છે. આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર IT અને કોમ્યુનિકેશન બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ આપી હતી. તેમણે મંગળવારે કહ્યું હતું કે માર્ક ઝુકરબર્ગની ટિપ્પણીઓ પર સંસદીય સમિતિ મેટાને સમન્સ પાઠવશે. નિશિકાંત દુબેએ X પર પોસ્ટ કરીને લખ્યું, ભારતીય સંસદ અને સરકારને ૧૪૦ કરોડ લોકોના આશીર્વાદ અને જાહેર વિશ્વાસ છે. મેટા ભારતીય અધિકારીએ આખરે પોતાની ભૂલો માટે માફી માંગી છે. તેમણે લખ્યું, આ જીત ભારતના સામાન્ય નાગરિકોની છે. પ્રધાનમંત્રી મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવીને, લોકોએ દુનિયાને દેશના સૌથી મજબૂત નેતળત્વનો પરિચય કરાવ્યો છે. હવે આ મુદ્દા પર અમારી સમિતિની જવાબદારી સમાપ્ત થાય છે, અમે ભવિષ્યમાં અન્ય મુદ્દાઓ પર આ સોશિયલ પ્લેટફોર્મને બોલાવીશું, ક્ષમા એ કોબ્રાને શોભે છે જેની પાસે ઝેર છે. વાસ્તવમાં, ફેસબુકના સ્થાપક અને મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે જો રોગનના પોડકાસ્ટમાં ભારત વિશે ખોટી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સહિત વિશ્વભરમાં ઘણી સરકારો કોવિડ-૧૯ પછી યોજાયેલી ચૂંટણીઓ હારી ગઈ છે. માર્કે કહ્યું હતું કે સરકારોની હાર દર્શાવે છે કે કોવિડ રોગચાળા પછી લોકોનો વિશ્વાસ ઘટી ગયો છે. માર્ક ઝુકરબર્ગનો આ દાવો ખોટો છે. ભારતમાં ૨૦૨૪ માં યોજાયેલી ચૂંટણીમાં NDA ફરીથી જીત્યું છે. માર્કના આ નિવેદન પછી, ઘણા મંત્રીઓએ તેમની ટીકા કરી. આઇટી અને કોમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ સોશિયલ મીડિયા પર તેમને જવાબ આપ્યો. અશ્વિની વૈષ્ણવે પણ પોસ્ટ કરીઃ તેમણે લખ્યું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી ભારતમાં ૨૦૨૪ની ચૂંટણીમાં ૬૪ કરોડ લોકોએ ભાગ લીધો હતો. ભારતના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતળત્વ હેઠળ કામ કરતી NDA સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો. તેમણે લખ્યું હતું કે, માર્ક ઝુકરબર્ગનો દાવો ખોટો છે કે ભારત સહિત વિશ્વની મોટાભાગની શાસક સરકારો કોવિડ પછી યોજાયેલી ચૂંટણીઓ હારી ગઈ છે. અશ્વિની વૈષ્ણવે પોતાની પોસ્ટમાં Meta on X ને ટેગ કર્યું. તેમણે માર્ક ઝુકરબર્ગ દ્વારા ખોટી માહિતી આપવાની ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
