<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

દેશભરમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની ચેતવણી : પંજાબ સહિત આ 15 રાજ્યોમાં IMD એલર્ટ જારી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશમાં હવામાનમાં સતત ફેરફાર :કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ: કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ઠંડીમાં વધારો થયો:પહાડી વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશમાં વારંવાર હવામાન બદલાઈ રહ્યું છે. કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ઠંડીમાં વધારો થયો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે, જ્યાં દૃશ્યતા (અંતર જોવાની) શૂન્ય નોંધવામાં આવી હતી. IMD (ભારત હવામાન વિભાગ) એ 19 જાન્યુઆરી સુધી ઉત્તર ભારતમાં હવામાન અંગે ચેતવણી જારી કરી છે.

  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં 16 જાન્યુઆરીએ વરસાદ પડશે. 16 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. આ સિવાય યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ રાજસ્થાનમાં હળવો વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં 16-17 જાન્યુઆરીએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 18 જાન્યુઆરીથી, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયન ક્ષેત્રને અસર કરશે, જેના કારણે ત્યાં વરસાદ થશે. 18-19 જાન્યુઆરીએ નિકોબાર ટાપુઓ અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે.

  IMD એ આગામી થોડા દિવસો માટે ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, યુપી અને અન્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. દિલ્હીના સફદરજંગ, પાલમ અને યુપીના કાનપુરમાં વિઝિબિલિટી શૂન્ય હતી. હરિયાણા, પંજાબ, ચંદીગઢમાં 16-17 જાન્યુઆરીએ પણ ગાઢ ધુમ્મસની સંભાવના છે. યુપી, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ જેવા રાજ્યોમાં 18 જાન્યુઆરી સુધી ઠંડા દિવસ (ઠંડીની ભારે અસર)ની ચેતવણી જારી કરવામાં આવી છે.

  પંજાબના અમૃતસરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 2.8 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન 5 થી 10 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે, જ્યારે મધ્ય અને પૂર્વ ભારતમાં તે 10 થી 15 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી થોડા દિવસોમાં તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 16 જાન્યુઆરીએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાઢ ધુમ્મસ પણ પડવાની સંભાવના છે.

(10:42 PM IST)