<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં 18મો પદવીદાન સમારોહ યોજાયો

મોદીજીએ નવી શિક્ષણનીતિમાં માર્ક્સ ઓરિએન્ટેડ નહીં પણ નોલેજ ઓરિએન્ટેડ માઈન્ડ સેટ બનાવવા પર ભાર મૂક્યો હોવાનું જણાવતા અમિતભાઇ શાહ:પોતાનામાં વિદ્યાર્થીને હંમેશા જીવંત રાખો. શીખવાની અને નવું સંશોધન કરવાની વૃત્તિ જ માનવ જીવનના પ્રગતિનો આધાર:અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે  કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે 18 મો પદવીદાન સમારોહ યોજાઇ ગયો હતો.

     અમિતભાઈ શાહે આ યુનિવર્સિટીના સ્થાપક પદ્મશ્રી ગણપતભાઈ પટેલે આ દીક્ષાંત સમારોહમાં વાત કરવાનો મોકો આપ્યો તે માટે તેમનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ગણપત યુનિવર્સિટીની ઉત્તર ગુજરાતની ધરતી પરની હાજરી સમગ્ર ગુજરાત માટે ગૌરવનો વિષય છે. ગણપતભાઈ પટેલે અથક અને સાતત્યપૂર્ણ પરિશ્રમ થકી પોતાનું સ્થાન બનાવ્યું. આ સ્થાન બનાવીને પણ પોતાના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ, રાજ્ય અને દેશ માટે વિચાર્યું. તેઓએ વિદ્યાર્થીઓને હિમાયત કરતા કહ્યું કે જે વિદ્યાર્થીઓ ડિગ્રી લઈને સમાજ જીવનમાં જાય છે તેમને ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્ર માટે પણ વિચારવું જોઈએ. શાહે આ તકે આ યુનિવર્સિટીને ઉભી કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર અનિલભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
   શાહે આ યુનિવર્સિટીમાંથી શિક્ષિત અને દીક્ષિત થઈને જનાર 4175 વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે પોતાનામાં વિદ્યાર્થીને હંમેશા જીવંત રાખવો જોઈએ. શીખવાની અને નવું સંશોધન કરવાની વૃત્તિ જ  માનવ જીવનના પ્રગતિનો આધાર હોય છે. જે આંખો બંધ કરે છે તે સ્થગિતતા પ્રાપ્ત કરે છે જ્યારે જે આખો ખોલી રાખે છે તેવું નથી પ્રાપ્ત કરે છે એક પ્રકારે આજથી એક નવા વિદ્યાર્થીઓનો ઉદય થઈ રહ્યો હોવાનું શાહે જણાવ્યું હતું.
  શાહે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ખેતી વિષયક ઉત્તેજન માટે જ્યારે યોજના મૂકવામાં આવી ત્યારે તેમાં રુચિ બતાવવામાં ગણપત યુનિવર્સિટી મોખરે હતી. જીવનમાં દરેક વ્યવસાયનું પોતાનું આગવું મહત્વ હોય છે. તેઓએ આ વિદ્યા સંકુલને સાકાર સ્વરૂપ આપવા બદલ પદ્મશ્રી ગણપતભાઈ પટેલને સાધુવાદ પાઠવ્યા હતા. તેઓ કહ્યું કે વિદ્યાર્થીઓમાં કાંક ચેષ્ટા, બકો ધ્યાન, શ્વાન નિંદ્રા અલ્પાહારી અને ગૃહ ત્યાગી પાંચ ગુણ હોવા આવશ્યક છે. તેઓએ કહ્યું કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહોત્સવ થકી  મોદીજીએ દેશના યુવાનોને આઝાદીના સંઘર્ષ ને યાદ કરાવ્યો અને સિદ્ધિઓનું સ્મરણ પણ કરાવ્યું. આ ઉપરાંત સો વર્ષ પછી એટલે કે 2047 માં વિશ્વમાં તમામ ક્ષેત્રે અવ્વલ હોય તેવા ભારતના નિર્માણ માટે સંકલ્પ પણ લેવડાવ્યો.
   શાહે કહ્યું કે નાનામાં નાનો સંકલ્પ દરેક વ્યક્તિએ લેવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીજી કહ્યું હતું કે એક જ દિશામાં 140 કરોડ લોકો એક કદમ આગળ ચાલે તો દેશ 140 કરોડ કદમ આગળ વધે છે. તેઓએ કહ્યું કે મોદીજીએ 10 વર્ષમાં ભારતને ઉત્પાદનનું હબ બનાવ્યું આજે વિશ્વની મોટી મોટી કંપનીઓ ભારતમાં યુનિટ લગાવવા માટે ખૂબ ઉત્સાહ બતાવી રહી છે. તેનો સીધો લાભ યુવાનોને મળવાનો છે. આદરણીય મોદીજીએ યુવાનોને વૈશ્વિક પ્લેટફોર્મ આપવા માટે સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મુદ્રા લોન, સ્કિલ ડેવલપમેન્ટ, આત્મ નિર્ભર ભારત યોજના તેમજ નેશનલ કેરિયર સર્વિસ જેવી યોજનાઓના માધ્યમથી ખૂબ મોટી વિશાળ તકો ઉપલબ્ધ કરાવી છે. તેઓએ કહ્યું કે તબીબી શિક્ષણમાં 2014માં 387 કોલેજ હતી જે આજે 766 બની છે તે ઉપરાંત પ્રત્યેક વર્ષે  ૫૧ હજારની જગ્યાએ ૧,૧૫,૦૦૦ તેમજ માસ્ટર ડિગ્રી સાથે ૩૧ હજારની જગ્યાએ ૭૩ હજાર તબીબો બની રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ઉચ્ચ શિક્ષણ રાષ્ટ્રીય મહત્વતા ધરાવતા સંસ્થાનો સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીમાં 40% જેટલો વધારો થયો છે.
 શાહે ઉમેર્યું હતું કે મોકા તો અનેક હોય છે પણ લક્ષ નીચું ન હોય તો જ તેનું દહન કરી શકાય. હવે ભારતના યુવાનોને અભ્યાસની નોટ્સ નહીં પણ આઈડિયા એક્સચેન્જ કરવાની જરૂર છે. આદરણીય મોદીજીએ નવી શિક્ષણનીતિમાં માર્ક્સ ઓરિએન્ટેડ નહીં પણ નોલેજ ઓરિએન્ટેડ માઈન્ડ સેટ બનાવવા પર ભાર મૂક્યો છે. તેઓએ યુવાઓને કલ્ચર ઓફ કોમ્પીટીશન નહીં પણ કલ્ચર ઓફ કો ઓપરેશન વિકસાવવા પણ હિમાયત કરી હતી.

 શાહે અંતમાં જણાવ્યું કે 2047નું વિકસિત ભારત યુવાઓ માટે બની રહ્યું છે. તેઓએ મોદીજીના વિકસિત ભારતના રોડ મેપને ગંતવ્ય સ્થાને પહોંચાડવા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કરી ઉજ્જવલ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

  આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઋષિકેશભાઇ પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ અને ગાંધીનગર લોકસભા ભાજપના પ્રભારી મયંકભાઇ નાયક, ગણપત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ મહેન્દ્ર શર્મા,  વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ કર્મચારીગણ અને અગ્રણી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:25 PM IST)