<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

મોડું GST રિટર્ન ભરનાર પાસે વ્‍યાજ વસૂલાતથી દેકારો

વર્ષ ૨૦૧૭-૧૮ના એસેસમેન્‍ટ સહિતની કામગીરી પૂરી થયા બાદ વસૂલાત સામે કરદાતામાં કચવાટ : એક તરફ વ્‍યાજ અને દંડ માફી સહિતની યોજના લાવવામાં આવી અને બીજી તરફ વ્‍યાજ વસૂલાત

નવી દિલ્‍હી, તા.૧૭: ૨૦૧૭-૧૮ના વર્ષમાં જીએસટી રિટર્ન મોડું ભરનાર કરદાતાઓ પાસેથી રિટર્ન મોડું ભરવા બદલે વ્‍યાજની રકમ વસૂલાત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. તેના કારણે વિવાદ સર્જાયો છે, કારણ કે નિયમ પ્રમાણે વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષની એસેસમેન્‍ટ સહિતની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. તેમજ તેઓ પાસેથી ટેક્‍સ અને વ્‍યાજની વસૂલાત કરવા માટેની નોટિસ આપવાની મુદ્દત પણ પૂરી થઈ ગયા બાદ વ્‍યાજ વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવતા કરદાતાઓમાં કચવાટ પેદા થયો છે.

જીએસટીમાં છેલ્લા થોડા દિવસોથી કરદાતાઓને જાણ કરવામાં આવી રહી છે કે જે પણ કરદાતાએ વર્ષ ૨૦૧૭-૧૮માં રિટર્ન કોઈ પણ કારણોસર મોડું ભર્યું હોયતો પેટે ભરવાની થતી વ્‍યાજની રકમ ભરવામાં આવવી જોઈએ. તે ભરપાઇ કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી રહી છે. જોકે ૧ જુલાઈ ૨૦૧૭માં જીએસટીનો કાયદો આવ્‍યા બાદ ત્રણ વર્ષના સમયગાળામાં તેના એસેસમેન્‍ટ સહિતની કામગીરી પૂરી કરી દેવાનો નિયમ લાવવામાં આવ્‍યો છે. તે માટેની તમામ કાર્યવાહી પણ પૂરી કરી દેવામાં આવ્‍યા બાદ આ રીતે વસુલાત કરવામાં આવતા વેપારીઓમાં રોષ ફેલાયો છે, કારણ કે એક તરફ જીએસટીમાં ટેક્‍સ ભરપાઈ કરવા માંગતા હોય તેવા કરદાતા માટે એમેનિટી સ્‍કીમ લાવીને વ્‍યાજ અને દંડ માફીની યોજના લાવવામાં આવી છે. જ્‍યારે બીજી તરફ જીએસટીના અધિકારીઓ વ્‍યાજની રકમ વસૂલવા માટે કાર્યવાહી કરી રહયા છે.(૨૩.૧૨)

વ્‍યાજ ભરપાઇ નહીં કરે તો બેંક ખાતા સીલ કરવા ચીમકી

જીએસટી વિભાગે મોડું રિટર્ન ભરનાર પાસે વ્‍યાજ વસુલાત માટે નોટિસ આપવાના બદલે તેની જાણ કરી છે. કારણ કે નિયમ પ્રમાણે નોટિસ આપવાની સમયમર્યાદા પૂરી થઇ ગઇ છે. સાથે સાથે એવી પણ ચીમકી આપવામાં આવી છે કે વ્‍યાજની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો બેંક ખાતા સીલ કરવા સુધીનાં પગલાં ભરવામાં આવશે. જ્‍યારે કરદાતાએ ટેક્‍સની રકમ તો પહેલેથી જ ભરપાઈ કરી જ દીધી છે. જ્‍યારે વિભાગના અધિકારીઓને જીએસટીનો કાયદો લાગુ થયાના આઠ વર્ષ પછી રિટર્ન મોડું ભર્યાનું બ્રહ્મજ્ઞાન થયું છે. તેના લીધે આ રીતે કરવામાં આવેલી વસુલાતની કાર્યવાહીને કારણે વેપારીની પરેશાની વધી છે.

વ્‍યાજ વસૂલાતની કાર્યવાહી સામે વેપારી અપીલમાં જવાની શકયતા

જીએસટી વિભાગે કરદાતા પાસેથી વસુલાત કરવા માટે કલમ ૭૩ અને ૭૪ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ તેની સમયમર્યાદા પૂરી થઇ ગઇ હોવાના લીધે કલમ ૭૫ પ્રમાણે વસુલાત માટે નોટિસ આપવાના બદલે એડવાઇઝરી બહાર પાડી છે. જેથી આડકતરી રીતે વસુલાત કરવા માટેની કાર્યવાહી જ હાથ ધરી છે. જોકે સમયમર્યાદા પુરી થયા બાદ આ રીતે વસુલાત કરવામાં આવે તે બાબત યોગ્‍ય નથી. આ ઉપરાંત કરદાતાઓને પડતી તકલીફ દૂર કરવા માટે જ હાલમાં ટેક્‍સની રકમ ભરવામાં આવે તો વ્‍યાજ અને દંડ માફી આપવાની યોજના પણ લાગુ કરી દેવામાં આવી છે. તેમ છતાં આ રીતે વસૂલાત કરવામાં આવે તો વેપારી અપીલમાં જઇ શકે છે.

(3:24 PM IST)