News of Friday, 17th January 2025
સોનામાં સતત ત્રીજા દિવસે જબરો વધારો : રૂપિયા 700 ઉછળી 82,000ને પાર : નવી ઐતિહસિક સપાટી નજીક
વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુમાં નબળા સંકેતની સ્થિતિ વચ્ચે ઘરેલુ બજારોમાં સોનામાં સતત તેજી

નવી દિલ્હી : સ્થાનિક સ્તરે નિકળેલી વ્યાપક ખરીદી વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂપિયા 700 વધી રૂપિયા 82,000 થયા છે. આ સાથે સોનાના ભાવ સતત ત્રીજા દિવસે તેજીની આગેકૂચ સાથે નવી ઊંચી સપાટીની નજીક પહોંચી ગયા છે.
જોકે દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 500 ઘટીને રૂપિયા 93,500 થયો છે.વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુમાં નબળા સંકેતની સ્થિતિ વચ્ચે ઘરેલુ બજારોમાં સોનામાં સતત તેજી જોવા મળી રહી છે.
દરમિયાન મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે ફેબ્રુઆરીનો સોનાનો વાયદો રૂપિયા 424 એટલે કે 0.54 ટકા ગગડીને રૂપિયા 78,802 રહ્યો છે. જ્યારે કિલો દીઠ ચાંદીનો માર્ચ મહિનાનો વાયદો રૂપિયા 1,093 એટલે કે 1.18 ટકા ગગડી રૂપિયા 91,710 થયો છે.
મધ્યપૂર્વમાં શાંતિની સ્થિતિના સંકેત મળતા, CPI, રિટેલ સેલ્સ અને ફેડલર રિઝર્વ તરફથી સારા આઉટલૂક સહિતના અમેરિકાના હકારાત્મક ડેટાને પગલે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 21.10 ડોલર એટલે કે 0.77 ટકા ગગડી 2729.80 ડોલર રહ્યો છે.જ્યારે ઔંસ દીઠ ચાંદીનો વાયદો 1.47 ટકા ઘટી 31.26 ડોલર રહ્યો હતો.
અમદાવાદ ખાતે સોનામાં આગેકૂચ જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ ચાંદી કિલોનો ભાવ રૂપિયા 1,000 ઘટી રૂપિયા 91,000 થયા છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 81,700, અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 200 વધી 81,500 રહ્યા છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
