<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ખ્‍યાતી હોસ્‍પિટલના ફરાર ડાયરેકટર કાર્તિક પટેલની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એરપોર્ટ ઉપરથી દબોચ્‍યો : હવે થશે સનસનીખેજ ખુલાસાઓ : લુકઆઉટ નોટિસ જારી થઇ હતી : પહેલા ઓસ્‍ટ્રેલિયા અને પછી દુબઇ ભાગી ગયો હતો : વિદેશથી જામીન અરજી પણ કરી હતી

અમદાવાદ, તા.૧૮: ખ્‍યાતિ હોસ્‍પિટલકાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હોસ્‍પિટલના ડાયરેક્‍ટર અને અત્‍યાર સુધી ફરાર કાર્તિક પટેલને દબોચી લીધો છે. મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરાઈ છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ઈન્‍ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી છે. કૌભાંડ બહાર આવ્‍યું ત્‍યારથી કાર્તિક પટેલ ફરાર હતો. આ કેસમાં તબક્કાવાર ઘણા આરોપીઓ પકડાઈ ચુકયા છે. અને કેસમાં મુખ્‍ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો  હવે સકંજામાં આવેલા કાર્તિક પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે.

અગાઉ કાર્તિક સામે લુક આઉટ નોટિસ જાહેર કરાઈ હતી. એટલું જ નહીં, તેણે વિદેશથી બેઠા-બેઠા આગોતરા જામીન અરજી પણ કરી હતી. પરંતુ જામીન મંજૂર પણ થયા નહોતા. સૂત્રોના મતે કાર્તિક પટેલ પહેલા ઓસ્‍ટ્રેલિયા અને ત્‍યાર બાદ દુબઈ ભાગી ગયો હતો. હવે તેને આરોપીની જેમ ક્રાઈમ બ્રાંચની કસ્‍ટડીમાં રાખવામાં આવશે. અગાઉ અમદાવાદ ગ્રામ્‍ય સેશન્‍સ કોર્ટમાં તેની આગોતરા જામીન અરજી પર સુનાવણી થઈ હતી. કાર્તિકે વિદેશમાં બેઠા-બેઠા પોતાના જમાઈ મારફતે આગોતરા જામીન અરજી કરી હતી.

હોસ્‍પિટલમાં તમામ લોકોને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ હતો. ચેરમેન, ડાયરેક્‍ટરની મિટિંગમાં ફ્રી કેમ્‍પ યોજવા માર્કેટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ કરતો હતો અને હોસ્‍પિટલમાં આર્થિક વ્‍યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતો હતો.

થોડા દિવસો પહેલા ખ્‍યાતિ હોસ્‍પિટલકાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે સૌથી મોટો ખુલાસો કર્યો હતો. જેમાં ખ્‍યાતિ હોસ્‍પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં ૩૮૪૨ ઓપરેશન કરવામાં આવ્‍યાની માહિતી અપાઈ હતી અને તેમાં ૧૧૨ દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્‍યારબાદની સારવાર દરમિયાન મોત નિપજ્‍યાનો દાવો કરાયો હતો.

(9:51 AM IST)