<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

એજ્યુકેશન સિટી કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓમા વધારો : JEEનો અભ્યાસ કરતા બુંદી જિલ્લાના મનન જૈન નો આપઘાત : અત્યાર સુધીમાં ચાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

વિદ્યાર્થી પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેણે તેના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ન ઉતરતા આ પગલું ભર્યું હોવાનું લખ્યું હતું આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકો પર માનસિક તણાવ વધુ

કોટા તા.૧૮ : એજ્યુકેશન સિટી કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોટામાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે.

એજ્યુકેશન સિટી કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એક પછી એક વિદ્યાર્થીની આત્મહત્યાના કારણે કોટાની છબી પર અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શહેરના જવાહર નગર વિસ્તારમાં વધુ એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતક વિદ્યાર્થી મનન જૈન બુંદી જિલ્લાનો રહેવાસી હતો જે કોટામાં રહી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો અને તેની સાથે JEEનો પણ અભ્યાસ કરતો હતો. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહનો કબજો લઈ શબઘરમાં રાખ્યો છે. વિદ્યાર્થીના પરિવારજનો પણ કોટા પહોંચી ગયા છે.

એક દિવસ પહેલા જ ઓરિસ્સાના એક વિદ્યાર્થીએ કરી હતી આત્મહત્યા

કોટામાં 24 કલાકમાં આત્મહત્યાનો આ બીજો કેસ નોંધાયો છે. આ પહેલા ઓરિસ્સાના રહેવાસી અભિજીત ગિરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. શનિવારે જ્યારે તેનો પરિવાર કોટા પહોંચ્યો ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. કોટામાં રહીને અભિજીત ગિરી NEETની તૈયારી કરી રહ્યો હતો. વિદ્યાર્થીના ભાઈનું કહેવું છે કે કોટામાં અભ્યાસનું વાતાવરણ સારું છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે આત્મહત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે તે જોતા પ્રશાસને નક્કર પગલાં લેવાની જરૂર છે.

કોટામાં નવા વર્ષની શરુઆતથી અત્યાર સુધી ચાર વિદ્યાર્થીઓએ કરી છે આત્મહત્યા

કોટામાં અભ્યાસના વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી 2025માં અત્યાર સુધીમાં ચાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જેમાં ત્રણ જેઇઇની તૈયારી કરી રહ્યા હતા, જ્યારે એક NEETનો વિદ્યાર્થી પણ સામેલ છે. આ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ જોવા મળ્યો છે. વિદ્યાર્થી પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેણે તેના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ન ઉતરતા આ પગલું ભર્યું હોવાનું લખ્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકો પર માનસિક તણાવ વધી રહ્યો છે.

(2:53 PM IST)