<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

પીએમ મુદ્રા યોજનામાં મોટા ફેરફારોની તૈયારી : શિશુ અને કિશોર શ્રેણીઓમાં લોન મર્યાદા વધશે ?

નાણા મંત્રાલયને મોકલવામાં આવેલા પ્રસ્‍તાવમાં શિશુ શ્રેણી માટે લોન મર્યાદામાં ૫ લાખ રૂપિયા અને કિશોર શ્રેણી માટે ૧૦ લાખ રૂપિયાનો વધારો કરવાની ભલામણ

નવી દિલ્‍હી, તા.૨૪: કેન્‍દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગ મંત્રાલયે આગામી નાણાકીય વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ શિશુ અને કિશોર શ્રેણીઓમાં લોન મર્યાદા વધારવાની ભલામણ કરી છે. કેન્‍દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે નાણા મંત્રાલયને મોકલવામાં આવેલા પ્રસ્‍તાવમાં શિશુ શ્રેણી હેઠળ લોન મર્યાદા વધારીને રૂ. ૫ લાખ અને કિશોર શ્રેણી હેઠળ રૂ. ૧૦ લાખ કરવાનું સૂચન કરવામાં આવ્‍યું છે.

અધિકારીએ કહયું, મંત્રાલયે ઘણી ભલામણો કરી છે. આમાં મુદ્રા લોન શ્રેણીઓ હેઠળ લોન મર્યાદા વધારવાનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ અંગે અંતિમ નિર્ણય નાણા મંત્રાલય લેશે. હાલમાં, મુદ્રા યોજના હેઠળ, શિશુ, કિશોર અને તરુણ એમ ત્રણ શ્રેણીઓમાં લોન આપવામાં આવે છે. શિશુ શ્રેણી હેઠળ રૂ. ૫૦,૦૦૦ સુધીની લોન, કિશોર શ્રેણી હેઠળ રૂ. ૫૦,૦૦૧ થી રૂ. ૫ લાખ સુધીની લોન અને તરુણ શ્રેણી હેઠળ રૂ. ૫,૦૦,૦૦૧ થી રૂ. ૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માટેના કેન્‍દ્રીય બજેટમાં, તરુણ શ્રેણી હેઠળ પ્રાપ્‍ત લોન ચૂકવનારાઓને નવી લોન આપવા માટે તરુણ પ્‍લસ શ્રેણી બનાવવામાં આવી હતી અને આ હેઠળ ૨૦ લાખ રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

વધેલી લોન ક્રેડિટ ગેરંટી ફંડ ફોર માઇક્રો યુનિટ્‍સ (CGFMU) દ્વારા પૂરી પાડવામાં આવશે. આ ભારતમાં ઉદ્યોગસાહસિક વાતાવરણને પ્રોત્‍સાહન આપવાના સરકારના સંકલ્‍પને પ્રતિબિંબિત કરે છે. ૧૭ જાન્‍યુઆરી, ૨૦૨૫ સુધીમાં મુદ્રા યોજના હેઠળ મંજૂર કરાયેલી કુલ લોનની સંખ્‍યા ૩.૭ કરોડ હતી અને મંજૂર કરાયેલી રકમ ૩.૬૬ લાખ કરોડ રૂપિયા હતી.

જોકે, પ્રાદેશિક ગ્રામીણ બેંકો તેમજ તેમની પ્રાયોજક જાહેર ક્ષેત્રની બેંકોએ ઓક્‍ટોબરના અંત સુધીમાં મુદ્રા યોજના હેઠળ લોન વિતરણ લક્ષ્યાંકના માત્ર ૪૨ ટકા જ પ્રાપ્‍ત કર્યા હતા. બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડ દ્વારા જોવામાં આવેલા આંતરિક દસ્‍તાવેજ મુજબ, નાણાકીય વર્ષ ૨૫ માટે રૂ. ૨.૩ લાખ કરોડના લક્ષ્યાંક સામે, બેંકોએ ૨૫ ઓક્‍ટોબર, ૨૦૨૪ સુધીમાં માત્ર રૂ. ૯૭,૦૯૪ કરોડનું ધિરાણ આપ્‍યું છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં બેંક ઓફ બરોડાનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્‍યું. નાણાકીય વર્ષ ૨૦૨૫ ના પ્રથમ સાત મહિના દરમિયાન તેણે તેના વાર્ષિક લોન વિતરણ લક્ષ્યાંકના માત્ર ૧૬ ટકા હાંસલ કર્યા છે.

૨૨,૦૦૦ કરોડના વાર્ષિક લક્ષ્યાંક સામે ૨૫ ઓક્‍ટોબર સુધીમાં તેણે માત્ર ૩,૫૧૫ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાએ આ યોજના હેઠળ રૂ. ૨૬,૪૨૦ કરોડનું વિતરણ કર્યું, જે રૂ. ૬૦,૦૦૦ કરોડના વાર્ષિક લક્ષ્યાંકના ૪૪ ટકા છે. કેનેરા બેંકે તેના વાર્ષિક લક્ષ્યાંકના ૫૨ ટકા હાંસલ કર્યા છે જ્‍યારે યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાએ તેના લક્ષ્યાંકના ૫૭ ટકા હાંસલ કરીને જાહેર ક્ષેત્રની બેંકોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહયું, આ બધી માઇક્રોફાઇનાન્‍સ લોન છે. માઇક્રોફાઇનાન્‍સ ક્ષેત્ર ઘણી મુશ્‍કેલીઓનો સામનો કરી રહયું છે. ઘણી સંસ્‍થાઓએ NPAમાં વધારો અને નફામાં તીવ્ર ઘટાડો નોંધાવ્‍યો છે. કેટલીક માઇક્રોફાઇનાન્‍સ સંસ્‍થાઓને RBI દ્વારા નવી થાપણો સ્‍વીકારવા અને લોન આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. આના કારણે લોન ફાળવણીમાં મંદી આવી છે.

ઓગસ્‍ટ ૨૦૨૪ માં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્‍યું હતું કે મુદ્રા લોન શ્રેણી સાથે જોડાયેલી જાહેર ક્ષેત્રની બેંકોનો NPA નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘટીને ૩.૪ ટકા થયો છે. તેમણે કહયું હતું કે આ આંકડો ૨૦૨૦-૨૧માં ૪.૭૭ ટકા, ૨૦૧૯-૨૦માં ૪.૮૯ ટકા અને ૨૦૧૮-૧૯માં ૩.૭૬ ટકાની સરખામણીમાં સુધારો દર્શાવે છે. સીતારમણે એમ પણ કહ્‍યું હતું કે ખાનગી ક્ષેત્રની વાણિજ્‍યિક બેંકોમાં મુદ્રા લોનનો NPA ૨૦૨૩-૨૪માં ઘટીને ૦.૯૫ ટકા થશે જે ૨૦૨૦-૨૧માં ૧.૭૭ ટકા અને ૨૦૧૮-૧૯માં ૦.૬૭ ટકા હતો.

(10:32 AM IST)