News of Saturday, 25th January 2025
કેજરીવાલ પોતે ‘ઈમાનદાર' અને રાહુલ ગાંધી ‘બેઈમાન': AAPના નવા પોસ્ટરથી રાજકીય હોબાળો
આમ આદમી પાર્ટીને માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવારોથી પણ કાંટાની ટક્કર મળી રહી છે

નવી દિલ્હી, તા.૨૫: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂકયું છે અને હવે સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ અચાનક કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે જેના કારણે હવે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ એક પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ‘બેઈમાન'ની લિસ્ટમાં સામેલ કરી દીધા છે. પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગળહ મંત્રી અમિતભાઇ શાહ બાદ ત્રીજા નંબર પર રાહુલ ગાંધીની તસવીર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પોસ્ટર AAPની સુનિયોજિત વ્યૂહરચનાનો જ એક હિસ્સો છે. આ પોસ્ટરમાં કેજરીવાલને ‘ઈમાનદાર' અને રાહુલ ગાંધીને ‘બેઈમાન' ગણાવ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે- કેજરીવાલની ઈમાનદારી બધા બેઈમાનો પર ભારી પડશે.દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રોજ રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવારોથી પણ કાંટાની ટક્કર મળી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીને ડર છે કે, દિલ્હીમાં બદલાતા સમીકરણના કારણે મુસ્લિમ લઘુમતી અને દલિત વોટર રાહુલ ગાંધીના કહેવાથી પોતાના પક્ષમાંથી છટકી ન જાય.
AAPનું માનવું છે કે, જો રાહુલ ગાંધીને ભાજપના નેતાઓ સાથે ન ઊભા રાખ્યા તો તેઓ એક મોટા વોટ બેન્કને આમ આદમી પાર્ટીમાંથી પોતાના તરફ ખેંચી શકે છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
