News of Tuesday, 28th January 2025
ભારતમાં એક વર્ષમાં ૨૪૦૦ કરોડ એપ ડાઉનલોડ થઈ, લોકોએ ૧.૧૨ લાખ કરોડ કલાક ફોન પર વિતાવ્યા
ભારતમાં મીડિયા, સોશિયલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ એપ્સ સૌથી વધુ લોકપ્રિય

નવી દિલ્હી, તા.૨૮: ભારત મોબાઇલ હેન્ડસેટ માર્કેટમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના અહેવાલ મુજબ, ૫જી સ્માર્ટફોન શિપમેન્ટના સંદર્ભમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે અને હવે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું ૫જી મોબાઇલ બજાર બની ગયું છે. સેન્સર ટાવરના મોબાઇલ વપરાશ અંગેના ‘સ્ટેટ ઓફ મોબાઇલ ૨૦૨૫' રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતીયો વિશ્વના અન્ય દેશો કરતાં વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને મોબાઇલ એપ્લિકેશન પર વધુ સમય વિતાવે છે.
એપ્સથી થતી કમાણીમાં ભારત ટોચના ૨૦ દેશોમાં પણ નથી : જો કે ભારત હજુ પણ એપ્સ દ્વારા માલસામાન ખરીદવામાં પાછળ છે. એપ્સથી થતી કમાણીના સંદર્ભમાં ભારત ટોચના ૨૦ દેશોમાં પણ નથી. ભારતમાં ૨૦૨૪માં એપ ડાઉનલોડ્સમાં ઘટાડો આવ્યો છે. ગત વર્ષે ૨૪.૩ અબજ (૨૪૦૦ કરોડ) એપ્સ ડાઉનલોડ થઈ હતી, જે વર્ષ અગાઉ ૨૦૨૩માં ૨૫.૬ અબજ (૨૫૦૦ કરોડ) અને ૨૦૨૨માં ૨૬.૬ અબજ (૨૬૦૦ કરોડ) એપ ડાઉનલોડ થઈ હતી.
ભારતમાં મીડિયા, સોશિયલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ એપ્સ સૌથી વધુ લોકપ્રિય : એપ ડાઉનલોડ્સમાં ઘટાડા છતાં, ભારતીય લોકોએ એપ પર વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું છે. ૨૦૨૪માં ભારતીયોએ વિવિધ એપ્લિક્શન પર ૧.૧૨ લાખ કરોડ કલાક વિતાવ્યા છે. સમયનો આ પ્રકારનો ઉપયોગ ૨૦૨૩માં ૯૯ હજાર કરોડ કલાક અને ૨૦૨૨માં ૮૪ હજાર કરોડ કલાક હતો.
ભારતમાં મીડિયા અને સોશિયલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ એપ્સ સૌથી વધુ લોકપ્રિય છે. જો કે આ એપ્સના ડાઉનલોડમાં પણ ઘટાડો થયો છે. જો કે ઓનલાઈન પણ સમાજને અલગ રસ્તે લઈ જતી ડેટિંગ એપ્સની આવક ૨૦૨૪માં ૨૫ ટકા વધીને ૫૫ મિલિયન ડોલર અર્થાત રૂ. ૪૭૫ કરોડ સુધી પહોંચી ગઈ છે.
અંતે નિષ્કર્ષમાં, એવું કહી શકાય કે ભારત ભલે ૫જી અને એપના ઉપયોગની દ્રષ્ટિએ ઝડપથી વિકાસ કરી રહયું હોય છતાં એપ શોપિંગ અને અન્ય કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ સુધારાની જરૂર છે. ભારતીયો દર વર્ષે મોબાઇલ પર વિતાવતા સમયનું પ્રમાણ વધી રહ્યું છે જે ડિજિટલ વિકાસ તરફ એક મોટું પગલું છે પરંતુ આ ટેવ દૂષણ ન બને તેની તકેદારી અને સ્વયં શિસ્તતા પણ જરૂરી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
