<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

દહેજ અને ડોમેસ્‍ટિક વાયલન્‍સના કાયદા અમે ન બદલી શકીએ, સમાજે પોતે જ બદલાવું પડશેઃ સુપ્રીમ કોર્ટ

હાલના કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે એવી દલીલ સાથે કરવામાં આવેલી અરજી ફગાવી દીધી સર્વોચ્‍ચ અદાલતે

નવી દિલ્‍હી, તા.૩૦: સુપ્રીમ કોર્ટમાં દહેજ અને ડોમેસ્‍ટિક વાયલન્‍સના કાયદામાં સુધારો કરવાની માગણી કરતી જનહિતની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મુદ્દે અમે કંઈ કરી શકીએ નહીં, આ માટે સમાજે બદલાવું પડશે. અરજીમાં કહેવામાં આવ્‍યું હતું કે હાલના દહેજ અને ડોમેસ્‍ટિક વાયલન્‍સના કાયદાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એથી એમાં સુધારા કરવાની જરૂર છે.

આ અરજી વકીલ વિશાલ તિવારીએ કરી હતી. અરજીમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજો, વકીલો અને કાનૂની નિષ્‍ણાતો ધરાવતી સમિતિ બનાવવાની માગણી કરવામાં આવી હતી જે હાલના દહેજ અને ઘરેલુ હિંસાના કાયદાની સમીક્ષા કરે.

થોડા દિવસો પહેલાં બૅન્‍ગલોરના એક સૉફ્‌ટવેર એન્‍જિનિયર અતુલ સુભાષે આત્‍મહત્‍યા કરી લીધી હતી. એન્‍જિનિયરે તેની પત્‍ની પર કાનૂની રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્‍યો હતો અને વર્તમાન કાયદાની ખામીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેણે આત્‍મહત્‍યા કરી એ પછી સમાજમાં દહેજ અને ઘરેલુ હિંસાના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યાના મુદ્દે ચર્ચાનો દોર શરૂ થયો હતો. આના પગલે વિશાલ તિવારીએ જનહિત અરજી કરી હતી.

જસ્‍ટિસ બી. વી. નાગરત્‍ના અને જસ્‍ટિસ સતીષ ચંદ્રાની બેન્‍ચે અરજીને ફગાવતાં કહ્યું હતું કે સમાજે બદલાવું પડશે, અદાલત આમાં કંઈ કરી શકે એમ નથી; સંસદે ઘડેલા કાયદા છે.

(4:23 PM IST)