<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

આજની પોલીસ મોબાઇલ અને CCTV સિવાય બ્‍લાઇન્‍ડ, પહેલાં બાતમીદારોનું નેટવર્ક હતું

‘ઇન્‍વેસ્‍ટિગેશન થીયરી' પોલીસ તંત્રની ગઇકાલ અને ગુનેગારોની મોડેસ ઓપરેન્‍ડિ ઉપરથી તપાસની દિશા નક્કી થતી હતી આજે સીસીટીવી ઉપર ચહેરા ઓળખાય છે સાયન્‍ટિફિક ઈક્‍વિપમેન્‍ટની મદદ સિવાય પણ ૬૦ થી ૯૦ દિવસમાં તપાસ પુરી કરીને ગુનાઓમાં ૯૦ દિવસની ચાર્જશીટ મુકાતુ હતુ

મુંબઇ, તા.૧: ટેક્‍નોલોજીના યુગમાં ગુનાખોરી આલમમાં ક્રાઈમને અંજામ આપનારા સુધી પહોંચવા માટે મોબાઈલ ફોન અને સીસીટીવી પોલીસ માટે આશીર્વાદરૂપ છે. પરંતુ ત્રણ દાયકા પહેલાં જયારે ફોરેન્‍સિક ઈક્‍વિપમેન્‍ટસ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ નહોતી ત્‍યારે ગુનેગારો સુધી પહોંચવા માટે પોલીસને ઘણાં પડકારોનો સામનો કરવો પડતો હતો. તે જમાનામાં ખાખીનું બાતમીદારોનું વિશાળ નેટવર્ક રહેતું હતું અને બાતમીદારોનું નેટવર્ક જ પોલીસની તાકાત હતી. આજની વરવી વાસ્‍તવિક્‍તા એ છે કે, આજની પોલીસ પાસે પહેલાંની પોલીસ જેવું બાતમીદારોનું નેટવર્ક નથી ૯૦ ટકા કિસ્‍સાઓમાં પોલીસ ટેકનિકલ રિસોર્સિસ ઉપર નિર્ભર છે. માત્ર ૧૦ ટકા કિસ્‍સાઓમાં બાતમીદારોની ભૂમિકા હોય છે. પોલીસ તંત્રની ખાસ કરીને ઈન્‍વેસ્‍ટિગેશન- લાઈન ઓફ એકશનની ગઈકાલ અને આજમાં જમીન આસમાનનો છે. આજની પોલીસ પાસે આધુનિક ટૅક્‍નોલોજી છે. ફોરેન્‍સિક સાયન્‍સનો સપોર્ટ છે અને મોબાઈલ ફોન તેમજ સીસીટીવીનું ઘણું મહત્‍વ છે. સીસીટીવીમાં આરોપી ઓળખાઈ જાય છે. મોબાઈલ ફોનના ટાવર લોકેશન ઉપરથી આરોપીની ઘટનાસ્‍થળની હાજરી પુરવાર થાય છે. ફોરેન્‍સિક સાયન્‍સ પુરાવાઓ એકત્રિત  કરવા માટે ઉપયોગી નીવડે છે. તા. ૧લી જુલાઈ ૨૦૨૪થી દેશભરમાં કાયદા બદલાયા હતા. પહેલાં ઈન્‍ડિયન પિનલ કૉડ પ્રમાણે મુકદ્દમા દર્જ થતાં હતાં હવે ભારતીય ન્‍યાય સંહિતા હેઠળ કાર્યવાહી થાય છે. ગુનાઓનું વર્ગીકરણ કરીને ચાર્જશીટ મુકવા માટે આજે પણ ૬૦ દિવસ અને ગંભીર છે. અને ત્રણ દાયકા પહેલાં પણ ચાર્જશીટ મુકવા માટે પોલીસ માટે આટલો જ સમય હતો. પરંતુ ટૅક્‍નોલોજી નહોતી પરંતુ બાતમીદારોનું નેટવક પોલીસની સૌથી મોટી તાકાત હતી. ગુનાખોરી આલમમાં પણ પોલીસના બાતમીદારો હતા. હ્યુમન રિસોર્સિથી ગંભીરથી ગંભીર અનડિટેક્‍ટ ગુનાઓના પોલીસ ભેદ ઉકેલી નાંખતી હતી.(૨૩.૫)

 આજની યુવા પોલીસે બાતમીદારોનું નેટવર્ક ઊભું કરવું જોઈએ

વડોદરામાં ગુંડાગર્દી કરનારા ખંડણીખોર રાજુ રોહિડાના મહારાષ્ટ્રમાં થયેલા એન્‍કાઉન્‍ટરની ટીમમાં સામેલ એવા અજય ગખ્‍ખર પણ ડીવાય એસપી તરીકે નિવૃત્ત થયા હતા. નોકરીના સમયમાં તેમણે ઘણાં એન્‍કાઉન્‍ટર કર્યા હતા. હાલમાં તેઓ પરિવાર સાથે જીવન ગુજારે છે. તેમના મતે ઘટના બન્‍યા પછી ટેક્‍નોલોજી ઉપયોગી બને છે. પરંતુ ગુનો બનતા પહેલાં ક્રાઈમને અટકાવવા માટે બાતમીદારોનું નેટવર્ક કામમાં લાગે છે. આજની યુવા પોલીસે બાતમીદારોનું નેટવર્ક ઊભું કરવું જોઇએ. વિસ્‍તારમાં કોઇ નવી વ્‍યકિતનું આગમન થાય અને તેની હિલચાલ શંકાસ્‍પદ જણાય તો બાતમીદારો એકિટવ થાય છે અને પોલીસને રજેરજની માહિતી આપતા રહેતા હતા.

આજે AIનો જમાનો છે, પહેલાં બાતમીદારો સક્રિયહતા : રામગડિયા

એક જમાનામાં શહેરના ખુંખાર રાજુ રિસાલદારના એન્‍કાઉન્‍ટર કરનારી પોલીસ અધિકારીઓની ટીમમાં સામેલ એવા જે.ડી. રામગડિયા સને ૨૦૧૪માં ડીવાય એસપી તરીકે રિટાયર્ડ થયા હતા. હાલ તેઓ પરિવાર સાથે વડોદરામાં નિવૃત્ત જીવન ગુજારે છે. પોલીસના બે યુગ વચ્‍ચેના ભેદ અંગે તેમણે જણાવ્‍યું હતું કે, આજે ઈન્‍ટેલિજન્‍સ આર્ટિફિશિયલનો જમાનો છે. સીસીટીવી, ફોરેન્‍સિક સાયન્‍સ જેવી આધુનિક સુવિધાઓ પોલીસ તંત્ર પાસે ઉપલબ્‍ધ છે. આજથી ૩ દાયકા પહેલાં આવી કોઈ સુવિધા નહોતી. પોલીસ પાસે હ્યુમન સોર્સિસનું વિશાળ નેટવર્ક હતું. એ જમાનામાં ટેક્‍નિકલ રિસોર્સિસ સિવાય તેમણે કાર્યકાળમાં ઘણી આંતર રાજ્‍ય ગેંગ પકડી છે.

(11:08 AM IST)