News of Sunday, 2nd February 2025
આજે 41.90 લાખથી વધુ ભક્તોએ પ્રયાગરાજ મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાનઃ અત્યારે સુધી લગભગ ૩૩.૬૧ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યુ સ્નાન
વસંત પંચમી સ્નાન માટે સંગમ પહોંચ્યા બાદ ઘાટના કિનારે રોકાતા શ્રદ્ધાળુઓને વહીવટીતંત્ર દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. પોલીસ સતત સાયરન વગાડી લોકોને હટાવવાનું કામ કરી રહી છે.

નવી દિલ્હીઃ 2 ફેબ્રુઆરી, રવિવારના રોજ સવારે 8 વાગ્યા સુધી 41.90 લાખથી વધુ ભક્તોએ પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. જ્યારે 1 ફેબ્રુઆરી સુધી 33.61 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે આ માહિતી ઉત્તર પ્રદેશ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી છે.
તે જ સમયે મૌની અમાવસ્યાની જેમ વહીવટીતંત્ર એ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત બન્યું કે વસંત પંચમી પર કોઈ અપ્રિય ઘટના ન બને. વસંત પંચમી સ્નાન માટે સંગમ પહોંચ્યા બાદ ઘાટના કિનારે રોકાતા શ્રદ્ધાળુઓને વહીવટીતંત્ર દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. પોલીસ સતત સાયરન વગાડી લોકોને હટાવવાનું કામ કરી રહી છે.
મૌની અમાવસ્યા દરમિયાન હોલ્ડિંગ એરિયામાં રોકાયેલા અને સૂતા લોકો પણ નાસભાગનું કારણ બન્યા હતા. આ જ કારણ છે કે વહીવટીતંત્ર પહેલાથી જ અહીંની સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. વસંત પંચમી પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાકુંભ મેળા વિસ્તારમાં ફોર વ્હીલર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બુધવારે વહેલી સવારે મૌની અમાવસ્યાના સ્નાન પહેલા મહા કુંભમાં મચેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા. ઘટના બાદ સ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. 3જી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ત્રીજા વસંત પંચમી સ્નાન માટે વહીવટી તંત્રએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દુર્ઘટના બાદ સરકારી પ્રશાસને ભીડને કાબૂમાં લેવા માટે કેટલાક મોટા ફેરફારો અને નવા આદેશો જારી કર્યા છે.
મહાકુંભમાં 10 લાખથી વધુ ભક્તો કલ્પવાસ કરી રહ્યા છે. બુધવારે મૌની અમાવસ્યાના રોજ રાત્રે 8 વાગ્યા સુધી 7.64 કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું. ગુરુવારે સવારે 10 વાગ્યા સુધી લગભગ 93 લાખ ભક્તોએ સ્નાન કર્યું છે. કુંભ મેળાના ઈતિહાસમાં કોઈપણ એક દિવસે સ્નાન કરનાર શ્રદ્ધાળુઓની આ સૌથી મોટી સંખ્યા હોવાનું કહેવાય છે. આ પહેલા મકરસંક્રાંતિ પર 3.5 કરોડ લોકો અને મૌની અમાવાસ્યાના એક દિવસ પહેલા 28 જાન્યુઆરીએ લગભગ 5 કરોડ લોકોએ સંગમમાં સ્નાન કર્યું હતું.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
