News of Monday, 3rd February 2025
હસન નસરાલ્લાહને ફરીથી દફનાવવામાં આવશે :હિઝબુલ્લાના ચીફ કાસિમે કરી મોટી જાહેરાત
હિઝબુલ્લાના વર્તમાન વડા નઈમ કાસિમે નસરાલ્લાહના દફનવિધિની તારીખ જાહેર કરી છે. નસરાલ્લાહને ઇઝરાયેલ દ્વારા મારવામાં આવ્યો હતો

નવી દિલ્હી : ગયા વર્ષે ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહને 23 ફેબ્રુઆરીએ બીજી વખત દફનાવવામાં આવશે. નસરાલ્લાહ 27 સપ્ટેમ્બરે લેબનોનની રાજધાની બેરૂતમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. હવે હસનના અંતિમ સંસ્કાર જાહેરમાં કરવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહના વર્તમાન વડા નઈમ કાસિમે ટેલિવિઝન પર પ્રસારિત ભાષણમાં તારીખની જાહેરાત કરી છે. કાસિમે કહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થિતિ એવી નહોતી કે નસરાલ્લાહને દફનાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલે નસરાલ્લાહને મારવા માટે 80 ટનના બોમ્બનો ઉપયોગ કર્યો હતો. ઇઝરાયલી હુમલાના 20 કલાક બાદ નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર કોઈ ઈજાના નિશાન ન હતા. અહેવાલો અનુસાર, બોમ્બ વિસ્ફોટના આઘાતને કારણે નસરાલ્લાહનું મૃત્યુ થયું હતું.
હસન નસરાલ્લાહનો જન્મ 31 ઓગસ્ટ 1960ના રોજ એક ગરીબ શિયા પરિવારમાં થયો હતો. તેઓ 9 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. તેના પિતા લેબનોનની રાજધાની બેરૂતના શાર્શાબોક વિસ્તારમાં રહેતા હતા. તે ફળો અને શાકભાજી વેચીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. નસરાલ્લાહનું પ્રારંભિક શિક્ષણ બેરૂતના એક ખ્રિસ્તી વિસ્તારમાં થયું હતું. તેને બાળપણથી જ ધાર્મિક બાબતોમાં રસ હતો. તેઓ ઈરાનના ઈમામ સૈયદ મુસા સદરથી ખૂબ પ્રભાવિત હતા.
નસરાલ્લાહે 1992માં અબ્બાસ મૌસવીની હત્યા બાદ હિઝબુલ્લાહની બાગડોર સંભાળી હતી. આગામી ત્રણ દાયકાઓમાં, તેમણે જૂથને એક વિશાળ સંગઠનમાં બનાવ્યું જેમાં પ્રદેશમાં મજબૂત પગપેસારો થયો. નસરાલ્લાહની દેખરેખ હેઠળ આ સંગઠન મજબૂત બળ તરીકે ઉભરી આવ્યું. તે સીરિયાથી યમન સુધીના સંઘર્ષોને અસર કરે છે. નસરાલ્લાહના નેતૃત્વ હેઠળ, હિઝબુલ્લાહની લશ્કરી તાકાત વધી અને સંગઠન રાજકીય રીતે પણ મજબૂત બન્યું. તેણે ઇરાક અને યમનમાં હમાસ જેવા જૂથોને મિસાઇલો, રોકેટ અને શસ્ત્રો પ્રદાન કરવામાં મદદ કરી.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
