News of Monday, 3rd February 2025
રૂપિયાના મૂલ્યમાં તીવ્ર ધોવાણથી બુલિયન બજારમાં તેજી : સોનાના ભાવ 85.300ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો
સતત પાંચમાં સેશનમાં તેજી જાળવી રાખતા ચાંદીનો કીલો દીઠ ભાવ વધુ 300 વધી રૂપિયા 96,000 થયો

નવી દિલ્હી : જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ તરફથી સતત થઈ રહેલી માંગ વચ્ચે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 400 વધી રૂપિયા 85,300ની અત્યાર સુધીની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
US ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થયેલા તીવ્ર ધોવાણ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ વિક્રમી સપાટીએ પહોંચતા ઘર આંગણે સોનાના ભાવમાં એકંદરે તેજીનો પવન યથાવત રહ્યો છે.
દિલ્હી ખાતે શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 400 વધી રૂપિયા 85,300 થયા છે, જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 400 વધી રૂપિયા 84,900 થયા છે.
બીજી બાજુ સતત પાંચમાં સેશન દરમિયાન તેજીની ઈનિંગને જાળવી રાખતા ચાંદીનો કીલો દીઠ ભાવ આજે વધુ 300 વધી રૂપિયા 96,000 થયો છે. US ડોલર સામે રૂપિયો 55 પૈસા ગગડીને રૂપિયા 87.17 થયો છે. કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ દર વધારવામાં આવતા તેની બજાર સેન્ટીમેન્ટ પર અસર જોવા મળતી હતી.
MCX ખાતે સોનાનો એપ્રિલ વાયદો રૂપિયા 461 અથવા 0.56 ટકા વધી 82,765 થયો છે. જ્યારે માર્ચ મહિના માટેની ડિલિવરી રૂપિયા 436 અથવા 0.47 ટકા વધી રૂપિયા 93,650 રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ઔંસદીઠ ભાવ 2,827.50 રહ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદો 32.10 ડોલર રહ્યો હતો.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તેજીની આગેકૂચ જોવા મળી હતી. અમદાવાદ ચાંદી રૂપિયા 500 વધી રૂપિયા 93,000 જ્યારે અમદાવાદ શુદ્ધ સોનુ રૂપિયા 200 વધી રૂપિયા 85,300 અને સ્ટાન્ડર્ડ સોનુ રૂપિયા 200 ઉછળી રૂપિયા 85,000 રહ્યા હતા.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
