<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

યુવકે પોતાના લગ્નનું કાર્ડ એવું બનાવ્‍યું કે લોકો ગોટે ચડી ગયા : જમવા જવાનું કે રાશન લેવા !

લગ્નની અનોખી કંકોત્રીઃ કિનારુલિવા વીડૂના જ્‍યોતિષ આર. પિલ્લઈએ પોતાના વેડિંગ કાર્ડને રાશન કાર્ડની માફક સ્‍ટાઈલમાં ડિઝાઇન કર્યુ છે પરિવારને રાશનની દુકાન સાથે ગાઢ સંબંધ છે : નાનપણથી પોતાની માતાને દુકાન પર મદદ કરનારા જ્‍યોતિષે ગામમાં રાશનની દુકાનનો છોકરો કહેવાતો હતો

ઈલંગમંગલમ , તા.૪: લગ્નના કાર્ડ તો બહુ જોયા હશે, ત્‍યારે હાલમાં એક અનોખું વેડિંગ કાર્ડ તાજેતરમાં લોકોનું ખૂબ ધ્‍યાન ખેંચી રહ્‍યું છે. આ અનોખું વેડિંગ કાર્ડ કેરળના ઈલંગમંગલમ ગામમાં થનારા એક લગ્નનું છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહયું છે. જે પણ આ વેડિંગ કાર્ડ જોઈ રહયા છે. તેમનું મગજ ચકરાવે ચડી રહયું છે.

કિનારુલિવા વીડૂના જ્‍યોતિષ આર. પિલ્લઈએ પોતાના વેડિંગ કાર્ડને રાશન કાર્ડની માફક સ્‍ટાઈલમાં ડિઝાઇન કર્યું છે. તેનું કારણ તેમના પરિવારને રાશનની દુકાન સાથે ગાઢ સંબંધ છે. નાનપણથી પોતાની માતાને દુકાન પર મદદ કરનારા જ્‍યોતિષે ગામમાં રાશનની દુકાનનો છોકરો કહેવાતો હતો. ત્‍યારે આવા સમયે જ્‍યારે લગ્નનો સમય આવ્‍યો તો તેણે પોતાના મૂળ સાથે જોડાયેલા દેખાડવા માટે આ અનોખી રીત અપનાવી.

માતૃભૂમિમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, જ્‍યોતિષના લગ્ન ૨ ફેબ્રુઆરીના રોજ જી. એચ. દેવિકા સાથે થયા. જે કોલ્લમના કોટ્ટારાક્કારાની રહેવાસી છે. આ કાર્ડને ડિઝાઇન કરવામાં ૧૧ દિવસ લાગ્‍યા હતા. જ્‍યોતિષ વિદેશમાં કામ કરે છે. એટલા માટે તેણે ફોન પર જ વાત કરીને આ નિર્દેશ આપ્‍યા છે. મજેદાર વાત એ છે કે, જ્‍યારે તેની મા કોઈને આ લગ્નનું કાર્ડ વહેંચતી ત્‍યારે લોકો તેને અસલી રાશન કાર્ડ સમજી લેતા હતા.

આ વેડિંગ કાર્ડના મુખ્‍ય પન્ના પર વર અને કન્‍યાની ડિટેલ આપેલી છે, જ્‍યારે તેની પાછળ રાશન કાર્ડ જેવું છપાયેલ છે. જેમાં પરિવારના સભ્‍યોના નામ અને સંબંધ દર્શાવેલ છે. તો વળી આ નિમંત્રણ કાર્ડની અંદરવાળા પન્ના પર રચનાત્‍મક અને સાંસ્‍કળતિક ભાવના સાથે દર્શાવ્‍યું છે.

જ્‍યોતિષના પરદાદા ભાર્ગવન પિલ્લઈ, ઈલંગમંગલમમાં રાશનની દુકાનના મૂળ માલિક હતા. બાદમાં તેના પિતા કે. કે. રવિન્‍દ્ર પિલ્લઈએ તેને સંભાળી, ૨૦૦૩માં તેમના નિધન બાદ જ્‍યોતિષની મા ટી. અંબિકાએ દુકાન સંભાળી

(11:06 AM IST)