News of Thursday, 6th February 2025
માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદના પુત્ર તલ્હાએ ‘કાશ્મીરને આઝાદ' કરાવવાની પ્રતિજ્ઞા લીધીઃ વડાપ્રધાન મોદી પર પણ આકરા પ્રહાર કર્યા
પિતા હાફિઝને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી

નવી દિલ્હી, તા.૬: ૨૦૦૮ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદના પુત્ર તલ્હાએ ‘કાશ્મીરને આઝાદ' કરાવવાની પ્રતિજ્ઞા લીધી છે. અહેવાલ છે કે પાકિસ્તાનના લાહોરમાં એક રેલી દરમિયાન તલ્હાએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ ટિપ્પણી કરી હતી. હાફિઝ સઈદ હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે. ૫ ફેબ્રુઆરીએ લાહોરમાં એક રેલીમાં, તલ્હાએ ‘કોઈપણ કિંમતે કાશ્મીરને ભારતથી મુક્ત કરાવવાની' પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ પિતા હાફિઝને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. જનતાને સંબોધિત કરતી વખતે, તલ્હાએ ભારતીય પીએમ મોદીને ‘શેતાન' પણ કહયા. તેમણે પીએમ મોદી પર તેમના પિતાની છબી ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
અહેવાલ મુજબ, તલ્હાએ માંગ કરી છે કે પાકિસ્તાન સરકાર નીતિની સમીક્ષા કરે અને તેના પિતાને મુક્ત કરે. તેમણે કહયું,‘હાફિઝ સઈદ દોષિત નથી, તો પછી તે જેલની સજા કેમ ભોગવી રહયો છે?'
ખાસ વાત એ છે કે વર્ષ ૨૦૨૪માં પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તલ્હાએ લાહોરના NA ૧૨૨ વિસ્તારથી ચૂંટણી લડી હતી. તેમને પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ અથવા પીએમએમએલ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ પાર્ટીને હાફિઝ સઈદનું સમર્થન છે. આ ચૂંટણીમાં તલ્હાને ૨૦૪૧ મત મળ્યા અને તેમને હારનો સામનો કરવો પડયો. જમાત-ઉદ-દાવાના સ્થાપક હાફિઝ સઈદને ભારતમાં થયેલા અનેક આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે, જેમાં ૨૬/૧૧ના મુંબઈ વિસ્ફોટનો પણ સમાવેશ થાય છે. તેમને અનેક કેસોમાં પાકિસ્તાનની જેલમાં ૭૮ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે, ૨૦૨૨ માં ૩૧ વર્ષની વધારાની સજા પણ ફટકારવામાં આવી હતી. ૨૦૧૨ માં, અમેરિકાએ હાફિઝ સઈદ પર ૧૦ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
