<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

સંગમ તટ પર અન્નદાતાને સમર્પિત વિશ્વનું પ્રથમ “કિસાન દેવતા” મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું

મંદિરમાં કિસાન દેવતા અને અન્નપૂર્ણા દેવી કિસાન દેવીની પૂજા : સવારે પૂજન અર્ચન અને સાંજે આરતી, ભજન-કીર્તન કરે છે. પ્રસાદના રૂપમાં ચોખાના થોડા દાણા

મહાકુંભ નગર: સંગમની રેતી પર હાલના દિવસોમાં એક-એકથી ચઢિયાતી, અનોખી તેમજ અલૌકિક ગતિવિધિઓ જોવા મળી રહી છે. એક તરફ મહાકુંભ પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ સંગમની રેતી પર એક અનોખું મંદિર-પૂજારી જોવા મળી રહ્યા છે. આવું મંદિર વિશ્વમાં પ્રથમ મંદિર હશે, જેમાં બિરાજમાન દેવી-દેવતા પણ પહેલી વાર પૂજાતા જોવા મળી રહ્યા છે. જેથી શ્રધ્ધાળુઓ માટે કૌતૂહલનો વિષય બન્યો છે. આ મંદિરમાં કિસાન દેવતા અને અન્નપૂર્ણા દેવી કિસાન દેવીની પૂજા થતી જોવા મળી રહી છે. 

   અહીંના પૂજારી રોજ સવારે પૂજન અર્ચન અને સાંજે આરતી, ભજન-કીર્તન કરે છે. પ્રસાદના રૂપમાં ચોખાના થોડા દાણા આપવામાં આવે છે, જેને ઘરે લઈ જઈને અનાજની કોઠીમાં  રાખવાનું કહેવામાં આવે છે, જેથી કોઈનો ભંડાર ખાલી ન રહે. સંગમની રેતી પર સ્થાપિત આ મંદિર ખેડૂતોનો મહિમા દર્શાવવાને માટે બનાવવામાં આવ્યું છે. આ મંદિરની વિશેષતા એવી છે કે અહીં અન્નદાતા કિસાન દેવતા અને માં અન્નપૂર્ણા કિસાન દેવીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. કિસાન દેવતા ખુલ્લા પગે છે, ધોતિયું પહેર્યું છે અને હાથમાં હળ પકડેલું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે  અન્નપૂર્ણા કિસાન દેવી પણ ઉઘાડા પગે છે, સાડી પહેરીને હાથમાં કૃષિ ઉપકરણ ધારણ કર્યું છે. આ મંદિર ખેડૂતોનું સન્માન અને તેમની મહેનતને સમર્પિત છે. 

  કિસાન દેવતા મંદિરની સ્થાપના કિસાન પીઠાધિશ્વર કિસાનાચાર્ય શૈલેન્દ્ર યોગીરાજ સરકાર દ્વારા કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે કિસાન દેવતાનું મૂળ મંદિર પ્રતાપગઢ જિલ્લાના સરાય મહજ ગામમાં આવેલું છે, અને મહાકુંભ ક્ષેત્ર સેક્ટર-૧૫ માં મુક્તિ માર્ગ પર તેને પ્રતિરૂપ બનાવવામાં આવ્યુ છે. આ મંદિરના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ્ય અન્નદાતા ખેડૂતોના સમ્માન વધારવા અને સમાજમાં તેમના મહત્વને ઉજાગર કરવાનો છે. આ મંદિરનું નિર્માણ એક આધ્યાત્મિક પહેલ છે, સાથે-સાથે એક સામાજિક સંદેશ પણ આપે છે કે, આપણે આપણા અન્નદેવતાનુ સદૈવ સમ્માન  કરવું જોઈએ‌.

(11:08 PM IST)