<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરૂધ્‍ધ ધરપકડ વોરંટ

૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત છે મામલો લુધિયાણાની કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યુ

લુધિયાણા, તા.૭: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને લઈ મોટા સમાચાર સામે આવ્‍યા છે. વાસ્‍તવમાં ગુરુવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. હકીકતમાં, સોનુ સૂદને લુધિયાણા સ્‍થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્‍સ જારી કરવામાં આવ્‍યું હતું, જેમાં મોહિત શુક્‍લા નામના વ્‍યક્‍તિ પર ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો.

એડવોકેટ ખન્નાએ આરોપ લગાવ્‍યો હતો કે, શુક્‍લાએ તેમને નકલી રિજિકા સિક્કાઓમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. આ કેસમાં અભિનેતા સોનુ સૂદને જુબાની આપવાની હતી. તાજેતરમાં જ ફિલ્‍મ ફતેહ કરનાર અભિનેતા સૂદને વારંવાર સમન્‍સ જારી કરવામાં આવ્‍યા હતા પરંતુ તેમણે તેમના પર કોઈ ધ્‍યાન આપ્‍યું ન હતું, જેના કારણે કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

લુધિયાણા જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ રમણપ્રીત કૌરે વોરંટ જારી કર્યું છે. આ વોરંટ મુંબઈના અંધેરી પશ્‍ચિમમાં આવેલા ઓશિવારા પોલીસ સ્‍ટેશનને મોકલવામાં આવ્‍યું છે, જેમાં તેમને અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો છે. મેજિસ્‍ટ્રેટ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે, સોનુ સૂદને સમન્‍સ અથવા વોરંટ યોગ્‍ય રીતે બજાવવામાં આવ્‍યું છે પરંતુ તે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્‍ફળ ગયો છે (સમન્‍સ અથવા વોરંટની બજા ટાળવાના ઈરાદાથી ફરાર થઈ ગયો છે અને ભાગી ગયો છે). તમને સોનુ સૂદની ધરપકડ કરવાનો અને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવે છે.

આ સાથે આ આદેશમાં આગળ કહેવામાં આવ્‍યું છે કે, તમને આ વોરંટ ૧૦-૦૨-૨૦૨૫ ના રોજ અથવા તે પહેલાં પરત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે જેમાં તે તારીખ અને રીત પ્રમાણિત કરવામાં આવી છે કે તે કઈ રીતે અમલમાં મૂકવામાં આવ્‍યું છે, અથવા તે શા માટે અમલમાં મૂકવામાં આવ્‍યું નથી. આ કેસની આગામી સુનાવણી ૧૦ ફેબ્રુઆરીએ થશે.

 

(10:42 AM IST)