<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

જો પત્‍નિ શિક્ષિત હોય અને નોકરીનો અનુભવ હોય તો પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે ઘરે બેસી શકતી નથી : તેણે કામ કરવું જોઈએ

છૂટાછેડા કેસમાં ઓરિસ્‍સા હાઈકોર્ટે એક મહત્‍વપૂર્ણ નિવેદન ...કોર્ટે ભરણપોષણની રકમ ૮૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦૦૦ રૂપિયા પ્રતિ માસ કરી દીધીઃ કોર્ટે વધુમાં અવલોકન કર્યુ કે CrPC ની કલમ ૧૨૫ હેઠળ વિધાનસભાનો ઉદ્દેશ્‍ય એવી પત્‍નિઓને રાહત આપવાનો છે જે પોતાનું ધ્‍યાન રાખવામાં અસમર્થ છે અને જેમની પાસે તેમના જીવનનિર્વાહ માટે પૂરતી આવક નથી

ભુવનેશ્‍વર, તા.૧૨: છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવતી ભરણપોષણની રકમ ઘટાડતી વખતે ઓરિસ્‍સા હાઈકોર્ટે એક મહત્‍વપૂર્ણ નિવેદન આપ્‍યું છે. કોર્ટનું કહેવું છે કે જો પત્‍ની શિક્ષિત હોય અને નોકરીનો અનુભવ હોય, તો તે પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે ઘરે બેસી શકતી નથી. તેણે કામ કરવું જોઈએ. આ ઉપરાંત, કોર્ટે ભરણપોષણની રકમ ૮૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦૦૦ રૂપિયા પ્રતિ માસ કરી દીધી.

ન્‍યાયાધીશ ગૌરીશંકર સતપથીએ કહ્‍યું, ‘‘કાયદો એવી પત્‍નીઓની કદર કરતો નથી જે ફક્‍ત પતિ પર ભરણપોષણનો બોજ નાખવા માટે નિષ્‍ક્રિય રહે છે. સારી અને ઉચ્‍ચ લાયકાત હોવા છતાં જો તેણી કામ કરવાનો પ્રયાસ ન કરે તો તે યોગ્‍ય નથી.''

ચુકાદો આપતાં તેમણે વધુમાં કહ્‍યું, ‘‘CrPC ની કલમ ૧૨૫ હેઠળ વિધાનસભાનો ઉદ્દેશ્‍ય એવી પત્‍નીઓને રાહત આપવાનો છે જે પોતાનું ધ્‍યાન રાખવામાં અસમર્થ છે અને જેમની પાસે તેમના જીવનનિર્વાહ માટે પૂરતી આવક નથી.''

દરમિયાન, ઓડિશા સરકારે મંગળવારે યુવા યુગલોમાં છૂટાછેડાના કેસોની વધતી સંખ્‍યાને ધ્‍યાનમાં રાખીને રાજ્‍યમાં લગ્ન પહેલાના કાઉન્‍સેલિંગ કેન્‍દ્રો ખોલવાનો નિર્ણય લીધો. એક અધિકારીએ જણાવ્‍યું હતું કે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ના અધ્‍યક્ષ વિજયા રહાતકરના સૂચન બાદ મુખ્‍યમંત્રી મોહન ચરણ માઝીએ આ નિર્ણય લીધો હતો. નાયબ મુખ્‍યમંત્રી પ્રભાતી પરિદાએ જણાવ્‍યું હતું કે ઓડિશા ૨૦૨૫ ને ‘‘છૂટાછેડા નિવારણ વર્ષ‘‘ તરીકે ઉજવશે.

તમને જણાવી દઈએ કે રાહટકર ઓડિશાના બે દિવસના પ્રવાસે છે અને તેમણે અહીં ઓડિશા રાજ્‍ય મહિલા આયોગના ૩૨મા સ્‍થાપના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, તેઓ રાજ્‍ય સચિવાલય ખાતે મુખ્‍યમંત્રીને પણ મળ્‍યા.(૨૩.૩)

(10:04 AM IST)