<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

રાહુલ ગાંધી હાજીર હો લખનઉ કોર્ટે સમન્‍સ પાઠવ્‍યું

સેના પર કરેલી ટિપ્‍પણી મુદ્દે ૨૪ માર્ચે થશે સુનાવણી

નવી દિલ્‍હી, તા.૧૨: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સૈનિકોને લઈ આપેલા નિવેદન મુદ્દે કોર્ટનું તેડું આવ્‍યું છે. આ કેસની આગામી સુનાવણી ૨૪ માર્ચ, ૨૦૨૫ના રોજ થશે. ઉત્તર પ્રદેશની લખનઉ કોર્ટે રાહુલ ગાંધીને સમન્‍સ પાઠવ્‍યું છે.

રાહુલ ગાંધી સામે ફરિયાદ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના પૂર્વ ડાયરેક્‍ટર ઉદય શંકર શ્રીવાસ્‍તવ તરફથી વકીલ તિવારીએ ગાંધી સામે માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી.

વિવેક તિવારીએ જણાવ્‍યું કે, રાહુલ ગાંધીએ ૧૬ ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ ભારત જોડો યાત્રા દરમિયાન કથિત અપમાનજનક ટિપ્‍પણી કરી હતી. મીડિયા સાથે વાત કરતાં તેણે ભારત અને ચીનની સેના વચ્‍ચે થયેલા ઘર્ષણને લઇ આપત્તિનજક વાત કરી હતી. વકીલે કહ્યું કે, રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન આપેલું નિવેદન અપમાનજનક અને બદનામ કરનારું હતું.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, લોકો ભારત જોડો યાત્રા દરમિયાન ખૂબ પૂછશે પરંતુ ચીની સૈનિકોએ આપણા સૈનિકો સાથે કરેલી મારપીટ અંગે એક પણ વખત નહીં પૂછે. ભારત અને ચીનની સેના વચ્‍ચે થયેલા ઘર્ષણ બાદ ૧૨ ડિસેમ્‍બરે ભારતીય સેનાએ સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે, ચીનની સેના ભારતીય સરહદમાં ઘૂસી હતી. જેનો ભારતીય સેનાએ સણસણતો જવાબ આપતાં ચીનની સેના પરત તેના વિસ્‍તારમાં જતી રહી હતી. બંને પક્ષોના સૈનિકોને સામાન્‍ય ઈજા થઈ હતી.

(10:22 AM IST)