<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ભારત ફક્‍ત એવા જ ગેરકાયદે ઇમિગ્રન્‍ટ્‍સને પાછા લેશે જેઓ પ્રમાણિત ભારતીય છે

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પર વડાપ્રધાન મોદીએ કહયું

વોશિંગ્‍ટન, તા.૧૪: વડાપ્રધાન મોદી તેમની યુએસ મુલાકાત માટે રાજધાની વોશિંગ્‍ટન ડીસીમાં છે. વ્‍હાઇટ હાઉસ ખાતે તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સાથે મુલાકાત કરી હતી અને ઘણા મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા વેપાર સંબંધોને મજબૂત બનાવવા અને ગેરકાયદે ઇમિગ્રન્‍ટ્‍સ પર સ્‍પષ્ટ નીતિ અપનાવવા અંગે ભારતે પોતાના સ્‍પષ્ટ અભિપ્રાય વ્‍યક્‍ત કર્યો હતો.

અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સની ભારત વાપસીના સવાલ પર પીએમ મોદીએ જણાવ્‍યું હતું કે જે લોકો ગેરકાયદેસર રીતે કોઈ પણ દેશમાં પ્રવેશ કરે છે તેમને ત્‍યાં રહેવાનો કાયદેસર રીતે કોઈ અધિકાર નથી. જ્‍યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે તો ભારત ફક્‍ત એવા જ ગેરકાયદે ઇમિગ્રન્‍ટ્‍સને પાછા લેશે જેઓ પ્રમાણિત ભારતીય છે. આ ઉપરાંત માનવ તસ્‍કરી સામે પણ કડક પગલાં લેવા પડશે એમ તેમણે જણાવ્‍યું હતું.

પીએમ મોદીએ જણાવ્‍યું હતું કે આ મુદ્દો લાગે છે તેટલો સામાન્‍ય નથી. અહીં ગરીબ લોકોને લાલચ આપીને લાવવામાં આવે છે. તેમને સપના બતાવવામાં આવે છે. આ પણ તેમની સાથે અન્‍યાય છે, તેથી આપણે માનવ તસ્‍કરી સામે પણ પગલાં લેવાની જરૂર છે. મને આશા છે કે રાષ્ટ્રપતિ માનવ તસ્‍કરીના નેટવર્કને ખતમ કરવા માટે ભારતનો સંપૂર્ણ સહયોગ કરશે.(૨૩.૩)

(9:57 AM IST)