<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ફટાકડાનો અવાજ સાંભળીને હાથીઓ ભડકયાઃ ૨ મહિલાઓ સહિત ૩ લોકોના મોતઃ ૨૦ ઘાયલ

કેરળના મંદિરમાં ભયાનક અકસ્‍માત ફટાકડાના અવાજથી બે હાથીઓ બેકાબૂ થઈ ગયા, તેઓ મંદિર પાસેના એક નાના મકાન તરફ દોડયા, હાથીઓએ ખૂબ જ જોરથી ઇમારત પર હુમલો કર્યો, જેના કારણે ઇમારતની દિવાલ ધરાશાયી થઈ ગઈ, આ અકસ્‍માતમાં ત્રણ વૃદ્ધોએ જીવ ગુમાવ્‍યા

તિરુવનંતપુરમ, તા.૧૪: કેરળના કોયિલેન્‍ડી નજીક માનકુલંગરા મંદિરમાં ગુરુવારે સાંજે એક દુઃખદ અકસ્‍માત થયો. અહીં તહેવાર દરમિયાન ફટાકડાના અવાજથી બે હાથીઓ ઉશ્‍કેરાઈ ગયા. આના કારણે નાસભાગ મચી ગઈ જેમાં ત્રણ વળદ્ધોના મોત થયા. મંદિરના ઉત્‍સવો માટે હાથીઓને લાવવામાં આવતા હતા. ફટાકડાના અવાજથી ગભરાઈને તેઓ મંદિરની નજીક એક નાની ઇમારત તરફ દોડ્‍યા. હાથીઓ સાથે અથડાવાથી ઇમારતની દિવાલ ધરાશાયી થઈ ગઈ. કેટલાક લોકો તેની નીચે દટાઈ ગયા. પોલીસના જણાવ્‍યા અનુસાર, દિવાલ પડવાથી બે મહિલાઓ અને એક પુરુષનું મોત થયું છે. લગભગ ૨૦ લોકો થોડા ઘાયલ પણ થયા હતા. આ ઘટના સાંજે ૬ વાગ્‍યાની આસપાસ બની હતી. મુખ્‍યમંત્રી પિનરાઈ વિજયને આ ઘટના પર દુઃખ વ્‍યક્‍ત કર્યું છે.

આ ઘટના બાદ, રાજ્‍યના વન મંત્રી એકે સસીન્‍દ્રને ઉત્તરીય ક્ષેત્રના જિલ્લા કલેક્‍ટર અને મુખ્‍ય વન સંરક્ષક (સામાજિક વનીકરણ) પાસેથી ઘટના અંગે તાત્‍કાલિક અહેવાલ માંગ્‍યો છે. સરકારી નિવેદન અનુસાર, મંત્રીએ કહ્યું કે રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેરળ કેપ્‍ટિવ એલિફન્‍ટ્‍સ (મેનેજમેન્‍ટ અને મેઇન્‍ટેનન્‍સ) નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.

દરમિયાન, રાજ્‍યના આરોગ્‍ય પ્રધાન વીણા જ્‍યોર્જે નિર્દેશ આપ્‍યો છે કે ઇજાગ્રસ્‍તોની સારવાર માટે કોયિલેન્‍ડી તાલુક હોસ્‍પિટલ અને કોઝિકોડ મેડિકલ કોલેજમાં ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવે. નિવેદનમાં જણાવાયું છે કે જ્‍યોર્જે એ પણ નિર્દેશ આપ્‍યો હતો કે બંને હોસ્‍પિટલોમાં ઘાયલોની સારવાર માટે પૂરતા નિષ્‍ણાત ડોકટરો, નર્સો અને અન્‍ય સ્‍ટાફ હોવો જોઈએ. આ ઘટના ફરી એકવાર મંદિરના તહેવારો દરમિયાન સુરક્ષા વ્‍યવસ્‍થા પર સવાલો ઉભા કરે છે. આવા કાર્યક્રમોમાં હાથીઓને લાવવાની પ્રથા પર પણ પુનર્વિચાર કરવાની જરૂર છે.

(12:06 PM IST)