<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

વૈશ્વિક પરમાણુ સુરક્ષા જોખમમાં :રશિયાએ યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો

ચેર્નોબિલ ખાતે બનેલ આ ખાસ યુનિટ યુક્રેન, યુરોપ, અમેરિકા અને અન્ય દેશોની મદદથી બનાવાયું હતું

રશિયાએ યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્કીએ આ દાવો કર્યો છે. તેમણે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે રશિયા પર આરોપ લગાવ્યો છે કે આંતરરાષ્ટ્રીય નિયમોને અવગણીને પરમાણુ સ્થળને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

રશિયાએ ચેર્નોબિલના નિષ્ક્રિય પરમાણુ પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો કરતાં વૈશ્વિક પરમાણુ સુરક્ષા જોખમમાં મુકાઈ છે. ચેર્નોબિલ ખાતે બનેલ આ ખાસ યુનિટ યુક્રેન, યુરોપ, અમેરિકા અને અન્ય દેશોની મદદથી બનાવવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય રેડિયેશનના જોખમોને ટાળવાનો હતો.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પુષ્ટિ બાદ ફાયર સેફ્ટી અધિકારીઓએ માહિતી આપી હતી કે ચેર્નોબિલ પ્લાન્ટ પર ડ્રોન હુમલા પછી લાગેલી આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. જો કે આ ઘટનાએ ફરી એકવાર વિશ્વને ચેર્નોબિલ જેવા સંવેદનશીલ સ્થળોએ રહેલા જોખમો વિશે ચેતવણી આપી છે.

રશિયન ડ્રોન હુમલા પછી ચેર્નોબિલ પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર તપાસવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ પુષ્ટિ આપી છે કે હાલમાં રેડિયેશનનું સ્તર સામાન્ય છે. પ્લાન્ટના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

(6:45 PM IST)