<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

અમેરિકન મીડિયાએ પણ પીએમ મોદીને ઉત્તમ વાટાઘાટકાર ગણાવ્‍યા

અમેરિકાના અગ્રણી મીડિયા હાઉસ સીએનએનએ પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી છે અને તેમને એક ઉત્તમ વાટાઘાટકાર ગણાવ્‍યા છે : સીએનએનએ લખ્‍યું છે કે વિશ્વના અન્‍ય નેતાઓએ પણ પીએમ મોદી પાસેથી શીખવું જોઈએ કે ટ્રમ્‍પ સાથે કેવી રીતે વાત કરવી : સમગ્ર વિશ્‍વના નેતાઓએ આમાંથી શીખવું જોઇએ

વોશિંગ્‍ટન, તા.૧૫: પ્રધાનમંત્રી મોદી બે દિવસનો અમેરિકા પ્રવાસ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્‍પ વચ્‍ચે થયેલા કરારો અને બંને નેતાઓ વચ્‍ચે જોવા મળેલી ઉષ્‍માની અમેરિકન મીડિયામાં વ્‍યાપક ચર્ચા થઈ રહી છે અને અમેરિકાના અગ્રણી મીડિયા હાઉસ સીએનએનએ પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી છે અને તેમને એક ઉત્તમ વાટાઘાટકાર ગણાવ્‍યા છે. સીએનએનએ લખ્‍યું છે કે વિશ્વના અન્‍ય નેતાઓએ પણ પીએમ મોદી પાસેથી શીખવું જોઈએ કે ટ્રમ્‍પ સાથે કેવી રીતે વાત કરવી.

પીએમ મોદીના વખાણમાં અમેરિકન મીડિયાએ શું કહયું?

સીએનએનના વરિષ્ઠ પત્રકાર વિલ રિપ્‍લીએ કહયું કે મને લાગે છે કે ટ્રમ્‍પે પહેલા જાપાની વડાપ્રધાન ઇશિબા સાથે સારી મુલાકાત કરી હતી. હવે ટ્રમ્‍પની પીએમ મોદી સાથેની મુલાકાત પણ ખૂબ જ સકારાત્‍મક રહી. રાષ્ટ્રપતિ ટ્રમ્‍પ સાથે વાટાઘાટો કેવી રીતે કરવી તે અંગે વિશ્વભરના નેતાઓ માટે આ એક માસ્‍ટરક્‍લાસ છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્‍પ વચ્‍ચેની મુલાકાત એવા સમયે થઈ હતી જ્‍યારે રાષ્ટ્રપતિ ટ્રમ્‍પે થોડા કલાકો પહેલા જ પારસ્‍પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. સીએનએન પત્રકાર રિપ્‍લીએ કહયું કે ભારતીય વડાપ્રધાન પરિસ્‍થિતિને સમજી ગયા હતા અને જો તેઓ નિષ્‍ફળ ગયા હોત તો પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ શકી હોત. પ્રતિકૂળ પરિસ્‍થિતિઓ છતાં, બંને દેશોના નેતાઓ વચ્‍ચે સારી વાતચીત થઈ અને વેપાર, ઉર્જા, સૈન્‍ય વગેરે મુદ્દાઓ પર મહત્‍વપૂર્ણ કરારો થયા.

રિપ્‍લીએ કહયું કે મુલાકાત પછી અમે જોયું કે બંને નેતાઓ વચ્‍ચેની મુલાકાતના સુખદ પરિણામો આવ્‍યા છે. બંને દેશો વેપાર કરાર પર વાટાઘાટો કરશે. અમેરિકા ભારતના પરમાણુ ક્ષેત્રમાં રોકાણ કરશે અને બંને દેશો F–35 જેટ પર પણ ચર્ચા કરશે. આનો ફાયદો બંને દેશોને થયો. રિપ્‍લીએ કહયું કે જે રીતે પીએમ મોદીએ મેક અમેરિકા ગ્રેટ અગેઇનના નારાને મેક ઇન્‍ડિયા ગ્રેટ અગેઇન સાથે જોડીને મેગા પાર્ટનરશીપ ફોર પ્રોસ્‍પેરિટીનો નારા આપ્‍યો, તે ખૂબ જ શાનદાર બ્રાન્‍ડિંગ અને સંદેશ હતો જે રાષ્ટ્રપતિ ટ્રમ્‍પને ગમ્‍યો.

રાષ્ટ્રપતિ ટ્રમ્‍પે પણ પીએમ મોદીની પ્રશંસા કરી

તમને જણાવી દઈએ કે બેઠક પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્‍પે વાટાઘાટકાર તરીકે પીએમ મોદીની ક્ષમતાની પણ પ્રશંસા કરી હતી. જ્‍યારે ટ્રમ્‍પને પૂછવામાં આવ્‍યું કે કોણ વધુ સારું અને કઠિન વાટાઘાટકાર છે, તમે કે પીએમ મોદી? તો આના જવાબમાં ટ્રમ્‍પે કહયું કે ‘તેઓ (પીએમ મોદી) ઘણા કઠોર અને સારા વાટાઘાટકાર છે.' અમારી વચ્‍ચે કોઈ સ્‍પર્ધા નથી.

 

(11:19 AM IST)