<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત :સ્ટુડન્ટ વિઝા પર ગયેલા ગુજરાતના બે સહિત 3 વિદ્યાર્થીઓના કરૂણમોત

ભરૂચ જિલ્લાના આમોદનો 25 વર્ષીય યુવક ઋષભકુમાર અને અમદાવાદની એક વિદ્યાર્થિની તેમજ પંજાબના એક વિદ્યાર્થીનું પણ મોત

કેનેડાના બ્રેમ્પ્ટનમાં કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતાં ગુજરાતના બે સહિત 3 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના આમોદનો 25 વર્ષીય યુવક પણ મોતને ભેટતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આમોદ સ્થિત કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતો ઋષભકુમાર રોહિતભાઈ લિમ્બાચિયા (25) ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે 3 વર્ષ પહેલા જ ભારતથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. જ્યાં ભારતીય સમય પ્રમાણે સવારના 6 કલાકે અને કેનેડાના સમય મુજબ સાંજે સાડા 5 કલાકે ઋષભકુમારની કાર સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

 

અકસ્માતમાં ઋષભકુમાર ઉપરાંત કારમાં તેની સાથે જઈ રહેલ અમદાવાદની એક વિદ્યાર્થિની તેમજ પંજાબના એક વિદ્યાર્થીનું પણ મોત નિપજ્યું છું. આ અકસ્માતની સમગ્ર ઘટના તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ કારના ડેશ કેમમાં કેદ થઈ ગઈ હતી.

માતા-પિતાએ ઉજ્જવળ ભવિષ્ય માટે પુત્રને ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ મોકલ્યો અને ત્યાં આકસ્મિક અવસાનના દુ:ખદ સમાચાર મળતા આમોદમાં તેના પરિવારના માથે આભ તૂટી પડ્યું હતુ.

બીજી તરફ આ બનાવની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ મૃતક ઋષભના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મૃતકના પરિવારજનો સાંત્વના આપી હતી. આ સાથે જ ભરૂચ કલેક્ટર સાથે વાતચીત કરીને ઋષભના મૃતદેહને વતન લાવવા માટે રજૂઆત કરી હતી. જેના પગલે જિલ્લા કલેક્ટરે પણ દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરવી હોવાનું જાણવા મળ્યું છે.

 

 


 

(11:10 PM IST)