<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

અરે બાપ રે....મહિનાનું સીધું ૨૯ કરોડનું વીજળીનું બિલ પકડાવી દીધું !

લાઇટ બીલ જોઇ પરિવારના તો મોતિયા મરી ગયા ! : વીજળી વિભાગે ગ્રાહકને કુલ ૨૯,૬૭,૭૪,૯૦૫ રૂપિયાનું બિલ મોકલ્‍યું

બિકાનેર, તા.૧૭: સામાન્‍ય ઘરનું વીજળી બિલ સામાન્‍ય રીતે ૨,૫૦૦ થી ૩,૦૦૦ રૂપિયા આવે છે. પરંતુ જો કોઈ ગ્રાહકને કરોડો રૂપિયાનું ઘરનું વીજળી બિલ આવે છે, તો તેને આઘાત લાગવો સ્‍વાભાવિક છે. બિકાનેર જિલ્લાના એક વ્‍યક્‍તિ સાથે પણ આવું જ કંઈક બન્‍યું છે. તેમને જાન્‍યુઆરી મહિનાનું ૨૯ કરોડ રૂપિયાથી વધુનું વીજળી બિલ આવ્‍યું છે. બિલ જોઈને તે માણસ ચોંકી ગયો. તે માથું પકડીને બેસી ગયો.

વીજળી બિલને લઈને આ ચોંકાવનારા સમાચાર બિકાનેરના નોખાથી આવ્‍યા છે. અહીં વીજળી વિભાગે એક વીજળી ગ્રાહકને તેના ઘર માટે ૨૯૬૭૭૪૯૦૫ રૂપિયાનું બિલ મોકલ્‍યું છે. તેમણે બિલ અંગે વીજળી વિભાગનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હજુ સુધી તેમનો સંપર્ક થઈ શક્‍યો નથી. કરોડો રૂપિયાનું આ વીજળી બિલ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહયું છે.

માહિતી પ્રમાણે આ બિલ નોખા શહેરના ઉત્તરાડા બાસના ગ્રાહક મોહનલાલ રામલાલને મોકલવામાં આવ્‍યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી મોહનલાલના ઘરનું વીજળી બિલ ફક્‍ત ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા જ આવ્‍યું છે. આ વખતે જોધપુર ડિસ્‍કોમે તેમને જાન્‍યુઆરી મહિનાનું ૨૯ કરોડ રૂપિયાથી વધુનું બિલ મોકલ્‍યું છે. બિલ જોઈને રામલાલના તો મોતિયા મરી ગયા.

રાજસ્‍થાનમાં આવો પહેલો કિસ્‍સો નથી. આ પહેલા પણ ડિસ્‍કોમે સામાન્‍ય ગ્રાહકને લાખો અને કરોડો રૂપિયાના બિલ ઘણી વખત મોકલ્‍યા છે. બાદમાં વિભાગે તેને ‘ટેકનિકલ ભૂલ' કહીને આ મુદ્દાથી છુટકારો મેળવ્‍યો. એક્‍સપર્ટના મતે આ પ્રિન્‍ટિંગ ભૂલ અથવા કોઈ ટેકનિકલ ભૂલને કારણે થયું છે. હાલમાં આ ઘટનામાં વિભાગ તરફથી કોઈ સ્‍પષ્ટતા આવી નથી અને મોહનલાલ અને તેમનો પરિવાર ટેન્‍શનમાં છે.(૨૩.૩)

(10:02 AM IST)