<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

પાકિસ્‍તાનની અફઘાન સરહદે એર સ્‍ટ્રાઇકઃ ટીટીપીના ઠેકાણાઓનો નાશ

તહરીક-એ-તાલીબાનના ૩ અલગ-અલગ સ્‍થળો નિશાન બન્‍યાઃ ૭ બાળકોના મોત

નવી દિલ્‍હી, તા. ૧૭: પાકિસ્‍તાની વાયુસેનાએ અફઘાનિસ્‍તાન અને પાકિસ્‍તાનના સરહદી વિસ્‍તારોમાં આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (TTP) ના ઠેકાણાઓને નિશાન બનાવ્‍યા છે. રિપોર્ટ અનુસાર, આ હુમલાઓમાં સાઇમના બંન્ને અને ટીટીપીના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્‍યા છે. પાકિસ્‍તાની વાયુસેનાએ ઓછામાં ઓછા ૩ અલગ અલગ સ્‍થળોએ આ હુમલાઓ કર્યા છે. આ હવાઈ હુમલામાં પાકિસ્‍તાની વાયુસેનાએ ૬ ફાઇટર જેટનો ઉપયોગ કર્યો છે, જેમાં F-૧૭ અને JF-૧૭ ફાઇટર પણ સામેલ છે. આ હવાઈ હુમલા અંગે પાકિસ્‍તાને હજુ સુધી કોઈ નિવેદન આપ્‍યું નથી.

કાબૂલ ફ્રન્‍ટલાઈનના રિપોર્ટ અનુસાર, પાકિસ્‍તાની વાયુસેનાએ અનેક ટીટીપી ઠેકાણાઓ પર ભારે બોમ્‍બમારો કર્યો છે. આ બોમ્‍બ વિસ્‍ફોટમાં ૧૨ થી ૧૫ પાકિસ્‍તાની તાલિબાનીઓના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ માહિતી ફક્‍ત પ્રારંભિક મૂલ્‍યાંકન પર આધારિત છે.

ટીટીપીના હુમલામાં ઘણા પાકિસ્‍તાની સૈનિકોના મોતના જવાબમાં આ હવાઈ હુમલો કરવામાં આવ્‍યો છે. ટીટીપીના હુમલામાં પાકિસ્‍તાની સેનાના ૨૧ વર્ષીય લેફટનન્‍ટનું પણ મોત થયું હતું.

કાબૂલ ફ્રન્‍ટલાઈને વધુમાં રિપોર્ટમાં આપ્‍યો છે કે પાકિસ્‍તાને દેશના સરહદી વિસ્‍તારમાં સ્‍થિત દક્ષિણ વઝીરિસ્‍તાનના એક ગામમાં હવાઈ હુમલો કર્યો છે. આમાં એક જ પરિવારના ૮ સભ્‍યોના મોત થયા છે, જેમાં એક મહિલા અને ૭ બાળકોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બોમ્‍બ વિસ્‍ફોટ અફઘાનિસ્‍તાનના પક્‍તિકા પ્રાંતના બરમલ જિલ્લામાં થયો હતો, જે સાચું નથી. આ હવાઈ હુમલો દક્ષિણ વઝીરિસ્‍તાનમાં થયો હતો.

આ હવાઈ હુમલા બાદ વિસ્‍તારમાં તણાવ ઘણો વધી ગયો છે. તાજેતરના મહિનાઓમાં પાકિસ્‍તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્‍તાન (TTP) એ પાકિસ્‍તાની દળો પરના હુમલાઓમાં વધારો કર્યો છે. પાકિસ્‍તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્‍યો છે.(૬.૧પ)

(3:29 PM IST)