'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના એપિસોડમાં સામેલ તમામ લોકો સામે FIR: મહારાષ્ટ્ર સાયબર સેલે 42 લોકોને મોકલ્યા સમન્સ
પૂછપરછ માટે જેમને સમન્સ પાઠવાયા તેમાં શો સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ અને પ્રભાવકોનો સમાવેશ

મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના અત્યાર સુધીના તમામ એપિસોડમાં ભાગ લેનારા તમામ લોકો સામે FIR દાખલ કરી છે. આ સાથે, સાયબર સેલે 42 લોકોને પૂછપરછ માટે સમન્સ પણ મોકલ્યા છે. પૂછપરછ માટે જેમને સમન્સ પાઠવવામાં આવ્યા છે તેમાં શો સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ અને પ્રભાવકોનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર સાયબર સેલના ઇન્સ્પેક્ટર જનરલ યશસ્વી યાદવે સોમવારે જણાવ્યું હતું કે એજન્સીએ શો સાથે સંબંધિત તમામ 42 લોકોને સમન્સ મોકલ્યા છે. તેમણે કહ્યું, “અધિકારીઓએ તપાસમાં સામેલ તમામ વીડિયો દૂર કરવાનો આદેશ આપ્યો છે અને એમ પણ કહ્યું છે કે તપાસ ચાલુ હોય ત્યાં સુધી શોનું એકાઉન્ટ બંધ કરી દેવું જોઈએ. શરૂઆતમાં સાયબર અધિકારીઓએ વિવાદાસ્પદ એપિસોડ દૂર કર્યો હતો, પરંતુ બાદમાં રૈનાને કેસ સાથે સંબંધિત તમામ વીડિયો દૂર કરવા કહેવામાં આવ્યું હતું
ઇન્સ્પેક્ટર જનરલ યશસ્વી યાદવે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ, સમય રૈના, અપૂર્વ માખીજા અને રણવીર અલ્હાબાદિયા આ કેસમાં આરોપી છે. તેમણે કહ્યું કે દેવેશ દીક્ષિત, રઘુ રામ અને અન્ય એક વ્યક્તિના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
આ કેસમાં, મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાને 18 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. હાલમાં તે ભારતની બહાર હોવાથી, તેણે સાયબર સેલને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછમાં ભાગ લેવાની મંજૂરી આપવા અપીલ કરી હતી. પરંતુ સાયબર સેલે સમય અંગેની આ અપીલને ફગાવી દીધી અને કહ્યું કે તેમણે પોતાનું નિવેદન નોંધાવવા માટે રૂબરૂ હાજર રહેવું પડશે.
ગયા અઠવાડિયે, સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાનો શો વિવાદમાં આવ્યો જ્યારે યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાનું એક વાંધાજનક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું. રણવીરના તેના માતા-પિતા વિશેના નિવેદનથી બધા ચોંકી ગયા અને લોકોએ ઘણો ગુસ્સો વ્યક્ત કર્યો. જ્યારે મામલો વધુ વકર્યો ત્યારે ઘણી જગ્યાએ પોલીસમાં ફરિયાદો નોંધાઈ. આ મામલે મહારાષ્ટ્ર અને આસામમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
