News of Tuesday, 18th February 2025
મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામ પર મહોર લાગી
૧૯૮૮ બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહયા છે

નવી દિલ્હી, તા.૧૮: પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળ થયેલી બેઠકમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી મળી છે. હાલના મુખ્ય ચૂંટણી કમિશનર રિટાયર થયા પછી જ્ઞાનેશ કુમાર આ પદ સંભાળશે. ૧૯૮૮ બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહયા છે. રાજીવ કુમાર આજે રિટાયર થઈ રહયા છે.
મુખ્ય ચૂંટણી આયુકતની નિમણૂક માટે એક પસંદગી સમિતિ દ્વારા નામ નક્કી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં સોમવાર સાંજે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે લાંબી કાનૂની લડત બાદ પોતાના એક નિર્ણયમાં CECની નિમણૂક માટે પસંદગી સમિતિ માટે પદાધિકારીઓ નક્કી કર્યા હતા, જેમાં મુખ્ય ન્યાયાધીશને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિયુકિત માટે નવા કાયદાકીય નિયમો લાગુ થવા પહેલા, બાકી રહેલા બે ચૂંટણી કમિશનરોમાંના સૌથી વરિષ્ઠને સામાન્ય રીતે નિવૃત્ત મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુકત કરવામાં આવતા હતા. જોકે, જ્ઞાનેશ કુમાર નવી નિયુકિત પ્રક્રિયા હેઠળ નિયુકત થનાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીવાળી પસંદગી સમિતિએ તેમના નામને અંતિમ સ્વરૃપ આપ્યું અને રાષ્ટ્રપતિને તેની ભલામણ કરી છે.
૧૫ મે ૨૦૨૨ના રોજ ૨૫મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળનાર રાજીવ કુમાર તેમના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક ચૂંટણીની દેખરેખ કર્યા બાદ પદ છોડશે. ૨૦૨૨માં તેમણે ૧૬મા રાષ્ટ્રપતિ અને ઉપ–રાષ્ટ્રપતિની ચૂંટણી તેમજ ૧૧ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં ભૂમિકા નિભાવી હતી.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
