<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

તાપણું તાપતા ભાનુબેન બાબરીયા દાઝી ગયાઃ ચમત્‍કારીક બચાવઃ ૧૦ થી ૧પ ટકા દાઝયાઃ ઝાયડસમાં સારવાર હેઠળ

રાજકોટઃ રાજયના મહિલા અને બાલ વિકાસ વિભાગના કેબીનેટ મંત્રી અને રાજકોટ-સૌરાષ્‍ટ્રના મહિલા અગ્રણી શ્રીમતી ભાનુબેન બાબરીયા પોતાના ગાંધીનગરના નિવાસસ્‍થાને તાપણું કરી રહયા હતા તે દરમ્‍યાન ડ્રેસના દુપટ્ટામાં આગ લાગતા તેઓ દાઝી ગયા હતા. તેમને તાત્‍કાલીક ગાંધીનગર સિવીલમાં પ્રાથમીક સારવાર આપી અમદાવાદની ઝાયડસ હોસ્‍પિટલમાં સારવાર લઇ રહયા છે અને તેમની તબીયત સારી છે.

દરમિયાન શ્રી મનહરભાઇ બાબરીયાએ આજે સવારે અકિલાને જણાવેલ કે ભાનુબેનને કમરમાં દુખાવો રહેતો હોય તાપણું તાપતા હતા તે દરમ્‍યાન પગ ઉપર શેક લેવા જતા તેમના ડ્રેસ સાથે આગ અડી જતા તેઓ ગોઠણથી થાપા સુધી સારા એવા દાઝી ગયા હતાં.

શ્રી મનહરભાઇએ કહેલ કે તાત્‍કાલીક સિવીલ હોસ્‍પિટલમાં સારવાર આપી તેમને અમદાવાદની ઝાયડસ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. ેજેમાં ચાર પાંચ દિવસ  ઘનિષ્‍ઠ સારવાર આપવામાં આવશે. ૧૦ થી ૧પ ટકા દાઝવાની ઇજા થઇ છે. ચામડીની પ્રથમ અને બીજી લહેર સુધી આગની અસર પહોંચી હોય ઇન્‍ફેકશન ન થાય તે માટે હોસ્‍પિટલમાં ચાર પાંચ દિવસ દેખરેખ હેઠળ રખાશે. ભાનુબેનની તબિયત ભયમુકત છે.

દરમિયાન આજે સવારે ભાનુબેન બાબરીયાનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે તાપણું તાપતી વખતે આગની જવાળા ડ્રેસને અડી જતા તેઓ દાઝી ગયેલ. ઝાયડસમાં સારવાર લઇ રહયાં છે. ઇશ્વર કૃપાથી તેઓ મોટી ઘાત માંથી ઉગરી ગયા છે. ભાનુબેનની તબીયત સુધારા ઉપર છે. ગુજરાતભર માંથી તેમની તબીયત અંગે પુછપરછ કરતા સંદેશા-ફોન આવી રહયાં છે. સહુનો તેમણે આભાર માન્‍યો છે. (૩પ.૭)

(11:07 AM IST)