<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ભાજપ સંસદીય બોર્ડની બેઠક પૂર્ણ : સાંજે દિલ્હીના સીઍમનું નામ જાહેર થશે :આવતીકાલે શપથવિધિ

રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડની નિરિક્ષક તરીકે પસંદગી : શપથ સમારોહની તૈયારી જોરશોરમાં

નવી દિલ્હી, તા.૧૯: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં  ૨૭ વર્ષ બાદ પ્રચંડ જીત મેળવ્યા બાદ પણ ભાજપ હજી સુધી મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કરી શકી નથી. જો કે, આજે સાંજે સાત વાગ્યે યોજાનારી ભાજપ ધારાસભ્યો દળની બેઠકમાં CM ના નામની જાહેરાત થાય તેવી શકયતાઓ છે. ભાજપ સંસદીય બોર્ડની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. અમિત શાહ, સત્યનારાયણ જાતિયા, સુધા યાદવ પણ બેઠક છોડીને ચાલ્યા ગયા છે. સંસદીય બોર્ડેની મીટીંગ પૂર્ણ થયા બાદ રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડની નિરીક્ષક તરીકે પસંદગી કરવામાં આવી. જ્યારે મુખ્યમંત્રીનું નામ ધારાસભ્ય પક્ષની બેઠકમાં જાહેર કરવામાં આવશે.આવતીકાલે બપોરે ૧૨.૩૫ વાગ્યે દિલ્હીના રામલીલા મેદાન પર નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.

દિલ્હી સરકારના શપથ ગ્રહણ સમારોહ અને સરકારની રચના માટે આજે સાંજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. બેઠકમાં શપથગ્રહણ સમારોહના ઈન્ચાર્જ વિનોદ તાવડે અને તરૃણ બુચ પણ હાજર રહેશે. દિલ્હી ભાજપના ચીફ વિરેન્દ્ર સચદેવા પણ ઉપસ્થિત રહેશે. ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ૪૮ બેઠકો જીતી હતી. બીજી બાજુ રામલીલા મેદાન પર શપથ ગ્રહણની તાડામાર તૈયારીઓ શરૃ થઈ ચૂકી છે.

ભાજપનો અત્યારસુધીનો ઈતિહાસ રહયો છે કે, તે હંમેશા સરપ્રાઈઝ નામ જાહેર કરે છે. મધ્યપ્રદેશમાં મોહન યાદવ, રાજસ્થાનમાં ભજનલાલ શર્મા, હરિયાણામાં નાયબસિંહ સૈની અને ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ તેનું ઉદાહરણ રહયા છે.(૨૩.૧૮)

(4:46 PM IST)