News of Wednesday, 19th February 2025
કોઈમ્બતુર વિશ્વનું સૌથી સસ્તું શહેરઃ સૌથી મોંઘા શહેરો ઝુરિચ અને જીનીવા
દુનિયાના સૌથી મોંઘા અને સસ્તા શહેરોની યાદી જાહેરઃ પાકિસ્તાન અને ભારતના શહેરો વિશ્વના સૌથી સસ્તા શહેરોમાં સામેલ છેઃ આમાં કોલકાતા, લાહોર, કરાચી, સુરત, જયપુર જેવા નામોનો સમાવેશ થાય છે

બેલગ્રેડ, તા.૧૯: ડેટા કંપની નુબિયોએ વર્ષ ૨૦૨૫ માટે વિશ્વના સૌથી મોંઘા અને સસ્તા શહેરોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં (નમ્બિઓ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેકસ ૨૦૨૫) કુલ ૩૨૭ શહેરોનો સમાવેશ થાય છે, જેમાં ભારત, ઇજિપ્ત અને પાકિસ્તાનના શહેરો સૌથી સસ્તા છે. સૌથી સસ્તું શહેર (૩૨૭મા ક્રમે) ભારતમાં કોઈમ્બતુર છે. સૌથી મોંઘુ શહેર (ટોચ પર) સ્વિટ્ઝર્લૅન્ડનું ઝુરિચ છે. આ સર્વેક્ષણ વિશ્વભરના શહેરોમાં રહેવાના ખર્ચની સરખામણી ન્યૂ યોર્કમાં રહેવાના ખર્ચના આધારે કરીને કરવામાં આવ્યો છે. આમાં ઘરનું ભાડું, ખોરાક અને ખરીદ શકિતનો સમાવેશ થાય છે.
આ યાદીમાં પ્રથમ ત્રણ સૌથી મોંઘા શહેરો સ્વિટ્ઝર્લૅન્ડના છે. ઝુરિચ પછી, લૌઝેન અને જીનીવા વિશ્વના બીજા અને ત્રીજા સૌથી મોંઘા શહેરો છે. અમેરિકાનું ન્યુ યોર્ક ચોથા સ્થાને છે. સ્વિટ્ઝર્લૅન્ડનું બેસલ પાંચમા સ્થાને છે અને બર્ન છઠ્ઠા સ્થાને છે. અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો આ ઇન્ડેકસમાં સાતમા ક્રમે છે અને હોનોલુલુ આઠમા ક્રમે છે. આઇસલેન્ડનું રેકજાવિક અને અમેરિકાનું બોસ્ટન પણ દસ સૌથી મોંઘા શહેરોની યાદીમાં છે. આ પછી, સિંગાપોર ૧૧મા ક્રમે, વોશિંગ્ટન ૧૩મા ક્રમે અને લંડન ૧૪મા ક્રમે છે.
આ યાદીમાં, ભારતનું કોઈમ્બતુર વિશ્વનું સૌથી સસ્તું શહેર છે. ત્યારબાદ ઇજિપ્તનું એલેકઝાન્ડ્રિયા (૩૨૬મા ક્રમે) છે. લાહોર પાકિસ્તાનનું ત્રીજું સૌથી સસ્તું શહેર છે (૩૨૫મા ક્રમે) અને કરાચી ચોથું સૌથી સસ્તું શહેર છે. આ યાદીમાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ૩૧૪મા ક્રમે છે. લાહોર અને કરાચી ઝુરિચ કરતા ૮૫ ટકા સસ્તા છે.
ભારતમાં, લખનૌ (૩૨૩), જયપુર (૩૨૨), સુરત (૩૨૧), કોચી (૩૨૦), ભુવનેશ્વર (૩૧૯), કોલકાતા (૩૧૮), વડોદરા (૩૧૬) અને ચંદીગઢ (૩૧૫) યાદીમાં સૌથી સસ્તા શહેરોમાં સામેલ છે. અન્ય ભારતીય શહેરોમાં મુંબઈ (૨૮૬), ગુડગાંવ (૨૯૧), પુણે (૨૯૯), દિલ્હી (૩૦૧), નોઈડા (૩૦૩), હૈદરાબાદ (૩૦૯), અમદાવાદ (૩૧૦) અને ચેન્નાઈ (૩૧૧)નો સમાવેશ થાય છે. ૩૧૪ થી ૩૨૭ સુધીના ૧૪ સૌથી સસ્તા શહેરોની યાદીમાં, ઇજિપ્તના બે, પાકિસ્તાનના ત્રણ અને ભારતના ૯ શહેરોનો સમાવેશ થાય છે.
નુબિયોએ વિશ્વભરના શહેરોમાં રહેવાના ખર્ચના આધારે આ યાદી તૈયાર કરી છે. ન્યુ યોર્ક શહેરમાં ખર્ચનો ઉપયોગ બેન્ચમાર્ક તરીકે કરવામાં આવ્યો હતો, અને ૩૨૭ શહેરોની તુલના કરવામાં આવી હતી. આમાં ખોરાક, રહેવાની વ્યવસ્થા અને પરિવહન જેવા રોજિંદા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ એવા લોકો માટે ઉપયોગી છે જેઓ નોકરી કે વ્યવસાય માટે વિશ્વના મોટા શહેરોમાં જવાનું આયોજન કરી રહ્યા છે. (રર.૧૬)
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
