News of Friday, 21st February 2025
બ્રાઝિલમાં ભયંકર હીટવેવ : રિયોમાં પારો 44 ડિગ્રીને પાર: રાહત મેળવવા લોકોની દરિયા કિનારા તરફ દોટ
બ્રાઝિલમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ : તીવ્ર ગરમીએ એક દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો: દક્ષિણ-પૂર્વીય ક્ષેત્રમાં સ્થિત રિયો ડી જાનેરોમાં સૌથી વધુ તાપમાન નોંધાયું

નવી દિલ્હી : આપણે ઠંડીનો સામનો કરી રહ્યા છીએ, તો બીજી તરફ બ્રાઝિલમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યાંના લોકો 44 ડિગ્રી સેલ્સિયસની કાળઝાળ ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. આના કારણે એક દાયકાનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. બ્રાઝિલના દક્ષિણ-પૂર્વીય ક્ષેત્રમાં સ્થિત રિયો ડી જાનેરોમાં ગયા સોમવારે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
બ્રાઝિલની રાષ્ટ્રીય હવામાનશાસ્ત્ર સંસ્થા (INMET) અનુસાર, ઉનાળામાં ત્યાં પારો વધુ વધી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી સમયમાં ગરમીની તીવ્રતા વધુ વધશે.
રિયો ડી જાનેરોમાં રેકોર્ડબ્રેક ગરમી બ્રાઝિલના ઘણા પ્રદેશોને અસર કરી રહી છે. માત્ર રિયો ડી જાનેરોમાં જ નહીં પરંતુ અન્ય વિસ્તારોમાં પણ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સાઓ પાઉલોમાં તાપમાન 37.7 ડિગ્રી સેલ્સિયસ, પોર્ટો એલેગ્રેમાં 36 ડિગ્રી સેલ્સિયસ અને બેલો હોરિઝોન્ટમાં 33 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું.
સાલ્વાડોરમાં તાપમાનનો પારો 31 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગયો છે.
ફેબ્રુઆરીમાં રિયો ડી જાનેરોમાં સરેરાશ તાપમાન સામાન્ય રીતે 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે, જેમાં મહત્તમ તાપમાન સામાન્ય રીતે 23 ડિગ્રી સેલ્સિયસ અને 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. વર્તમાન પારોનું સ્તર સરેરાશ કરતા 10 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. રિયોમાં ફેબ્રુઆરીમાં સામાન્ય રીતે સરેરાશ 128-150 મીમી વરસાદ પડે છે. જોકે, શુષ્ક હવામાન ચાલુ રહ્યું જેના કારણે ગરમીમાં વધુ વધારો થયો.
રિયો ડી જાનેરોમાં વધતા તાપમાનને કારણે લોકોને હીટવેવ પ્રોટોકોલ જારી કરવામાં આવ્યા છે. શહેરમાં છાંયડાવાળા વિસ્તારો અને હાઇડ્રેશન પોઇન્ટ સાથે 58 કુલિંગ સ્ટેશન ખોલવામાં આવ્યા છે, જે શહેરના કેન્દ્રમાં સિનેલેન્ડિયા અને પ્રાકા XV જેવા સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે. ભીષણ ગરમીને કારણે હજારો લોકો ઠંડા પાણી સાથે દરિયામાં ઉમટી રહ્યા છે અને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
