<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

અમેરિકાની મદદથી શેખ હસીના સરકાર તોડવામાં આવી ?

ભારતને USAID તરફથી ૨૧ મિલિયન ડોલર મળ્‍યા નથી : આ પૈસા અમેરિકાએ બાંગ્‍લાદેશને આપ્‍યા હતા : USAID એ ૧૮૨ કરોડ મોકલ્‍યા પણ ભારતને નહીં મળ્‍યાનો ખુલાસો

વોશિંગ્‍ટન, તા. ર૧ : અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તાજેતરમાં ભારતને આપવામાં આવતી ૨૧ મિલિયન ડોલર (૧૮૨ કરોડ ભારતીય રૂપિયા) ની સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. અમેરિકાએ કહ્યું કે આ રકમ ભારતને કથિત રીતે મતદાન વધારવા માટે આપવામાં આવી રહી છે. ભારતીય રાજકારણમાં હલચલ મચાવનાર આ દાવાને ઈન્‍ડિયન એક્‍સપ્રેસ દ્વારા ખોટો જાહેર કરવામાં આવ્‍યો છે. એક્‍સપ્રેસને જાણવા મળ્‍યું છે કે મતદાતાઓની ભાગીદારી વધારવા માટે USAID દ્વારા મંજૂર કરાયેલ ઼૨૧ મિલિયનનું ભંડોળ ભારત માટે નહીં, પરંતુ બાંગ્‍લાદેશ માટે હતું. એનો અર્થ એ થયો કે ટ્રમ્‍પ વહીવટીતંત્રના DOGE દ્વારા રદ કરાયેલી તે રકમ ભારત માટે બિલકુલ નહોતી.

ઈન્‍ડિયન એક્‍સપ્રેસ અનુસાર, વર્ષ ૨૦૨૨ માં બાંગ્‍લાદેશને ૨૧ મિલિયનડોલર ની રકમ ફાળવવામાં આવી હતી. અમેરિકા તરફથી મળેલા ભંડોળમાંથી, ૧૩.૪ મિલિયન ડોલર બાંગ્‍લાદેશી વિદ્યાર્થીઓમાં રાજકીય અને નાગરિક જોડાણ અને ૨૦૨૪ ની સામાન્‍ય ચૂંટણીઓ પહેલાના પ્રોજેક્‍ટ્‍સ પર ખર્ચવામાં આવ્‍યા છે. બાંગ્‍લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવ્‍યા તે પહેલાં જ આ થઈ રહ્યું હતું.

મસ્‍કની આગેવાની હેઠળના DOGE અનુસાર, USAID ગ્રાન્‍ટ વોશિંગ્‍ટન ડીસી સ્‍થિત કન્‍સોર્ટિયમ ફોર ઇલેક્‍શન્‍સ એન્‍ડ પોલિટિકલ પ્રોસેસ સ્‍ટ્રેન્‍થનિંગ  દ્વારા મોકલવામાં આવી હતી. દસ્‍તાવેજોમાં જાણવા મળ્‍યું છે કે જુલાઈ ૨૦૨૨ માં બાંગ્‍લાદેશમાં USIAD ના અમર વોટ અમર (મારો મત મારો છે) અભિયાન માટે પૈસા ફાળવવામાં આવ્‍યા હતા. બાંગ્‍લાદેશમાં ૨૦૨૪ ની શરૂઆતમાં સામાન્‍ય ચૂંટણીઓ યોજાઈ હતી.

અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં મતદાન વધારવા માટે ૨૧ મિલિયન ડોલરની જરૂર નથી. મને લાગે છે કે આ પૈસા ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે છે. ટ્રમ્‍પના આ નિવેદન પછી ભારતમાં સવાલો ઉભા થયા કે શું અમેરિકા ભારતમાં ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના રાજકીય પક્ષોએ પણ આ અંગે ઘણો હોબાળો મચાવ્‍યો હતો. જોકે, હવે આ દાવો ખોટો સાબિત થયો છે.

ભારતીય રાજકારણના બે મુખ્‍ય પક્ષો, કોંગ્રેસ અને ભાજપ, ભારતમાં અમેરિકા પાસેથી ભંડોળ મેળવવાના દાવા પર આમને-સામને છે. હવે એ વાત સામે આવી છે કે આ રકમ ભારત માટે નહીં પણ બાંગ્‍લાદેશ માટે હતી. આ ભંડોળનો હેતુ શું હતો તે પ્રશ્‍ન હજુ પણ રહે છે. ૨૦૨૪નું વર્ષ બાંગ્‍લાદેશ માટે ભારે રાજકીય ઉથલપાથલનું વર્ષ હતું. આવી સ્‍થિતિમાં, આ રકમનો ઉપયોગ શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવા માટે કરવામાં આવ્‍યો હોવાની શકયતા નકારી શકાય નહીં. આગામી દિવસોમાં આ અંગે વધુ ખુલાસાઓ થઈ શકે છે.(૯.ર૬)

(3:52 PM IST)