<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

મુંબઈ એરપોર્ટ પર ૫૬ કરોડનો ગાંજો જપ્તઃ ટ્રોલી બેગમાં ગાંજો છુપાવી લાવનારા પોરબંદરના 5 પ્રવાસીઓ પકડાયા

પાંચેય પ્રવાસી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ

મુંબઈઃ કસ્ટમ્સ વિભાગે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૫૬ કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો પકડી પાડી પાંચ પ્રવાસીની ધરપકડ કરી હતી. ગુજરાતના પોરબંદરના પાંચેય પ્રવાસી પોતાની ટ્રોલી બેગમાં ગાંજો છુપાવી લાવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બેંગકોકથી બુધવારે ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવેલા પાંચ પ્રવાસીને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યા હતા. તેમના સામાનની તલાશી લેવામાં આવતાં ટ્રોલી બેગમાંથી ૫૬.૨૬ કરોડ રૂપિયાનો ૫૬.૨૬ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી પાંચેય પ્રવાસી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રવિ દેવાભાઈ ઓડેદરા (૩૦), રમેશ વેજા ઓડેદરા (૩૧), ભરતભાઈ મોઢવાડિયા (૩૭), નાથાભાઈ રામભાઈ ઓડેદરા (૩૫) અને રામ કરસન ભુતિયા (૨૪) તરીકે થઈ હતી. પાંચેય આરોપી ગુજરાત રાજ્યના પોરબંદર શહેરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ઝટપટ નાણાં કમાવાની લાલચમાં ડ્રગ્સની તસ્કરી કરવા પ્રેરાયા હોવાનો દાવો આરોપીઓએ પૂછપરછમાં કર્યો હતો

(8:39 PM IST)