<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

૧૯૯૯માં વાજપેઇ સરકાર કેવી રીતે તુટી હતી? શરદ પવારે ભાંડો ફોડયો

૧ મતથી સરકારનો પરાજય થયો હતો

નવી દિલ્‍હી તા.૨૨: નેશનલિસ્‍ટ કોન્‍ગ્રેસ પાર્ટી (NCP)ના સ્‍થાપક અને ભૂતપૂર્વ કેન્‍દ્રીય પ્રધાન શરદ પવારે ગુરુવારે દિલ્‍હીમાં નીલેશકુમાર કુલકર્ણીના ‘સંસદ ભવન તે સેન્‍ટ્રલ વિસ્‍ટા' નામના પુસ્‍તકના પ્રકાશન વખતે ૨૬ વર્ષ પહેલાં અટલ બિહારી વાજપેયીની આગેવાનીની સરકાર કેવી રીતે તોડી પાડી હતી એનો ખુલાસો કર્યો હતો. શરદ પવારે કહ્યું હતું કે ‘કેન્‍દ્રમાં અટલ બિહારી વાજેપયીની આગેવાનીની સરકાર હતી ત્‍યારે હું લોકસભામાં વિરોધ પક્ષનો નેતા હતો. ૧૯૯૯ની ૧૭ એપ્રિલે સરકારના વિરોધમાં અમે અવિશ્વાસનો પ્રસ્‍તાવ લાવ્‍યા હતા. એ પ્રસ્‍તાવ પર સંસદમાં લાંબી ચર્ચા થઈ હતી. અવિશ્વાસના પ્રસ્‍તાવ માટે મતદાન કરતાં પહેલાં ૧૦ મિનિટનો બ્રેક હતો. એ સમયે હું સંસદની બહાર ચર્ચા કરવા માટે ગયો હતો. બાદમાં સંસદમાં મતદાન થયું હતું, જેમાં અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતથી પડી ગઈ હતી. એ સમયે સત્તાધારી પક્ષના એક સંસદસભ્‍યને અમે ફોડ્‍યો હતો. જોકે અમે આ કેવી રીતે કર્યું હતું એ નહીં જણાવું.'

ઉલ્લેખનીય છે કે ૧૯૯૯માં લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્‍તાવ લાવવામાં આવ્‍યો ત્‍યારે સરકારના પક્ષે ૨૬૯ મત અને વિરોધમાં ૨૭૦ મત પડ્‍યા હતા. આથી માત્ર એક મતથી વાજપેયીની સરકાર તૂટી પડતાં અટલ બિહારી વાજપેયીએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્‍યું હતું. આને લીધે બાદમાં ફરી લોકસભાની ચૂંટણી યોજવી પડી હતી.(૩૮.૨)

(10:26 AM IST)