<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

RBI વ્‍યાજ દરમાં વધુ ઘટાડો કરશે : હોમ લોન - કાર લોન સસ્‍તી થશે

તમારા ઘરનું સ્‍વપ્‍ન સાકાર થશે! હોમ લોન પર તમને વધુ ડિસ્‍કાઉન્‍ટ મળી શકે છે : રિઝર્વ બેંકનો સંકેત

નવી દિલ્‍હી, તા.૨૨: ભારતીય રિઝર્વ બેંક (RBI) આગામી મહિનાઓમાં વ્‍યાજ દરમાં વધુ ઘટાડો કરી શકે છે. આનાથી અર્થતંત્રને વેગ મળવાની અપેક્ષા છે. વિકસિત દેશોની મધ્‍યસ્‍થ બેંકો ફુગાવા પર વધુ ધ્‍યાન આપી રહી છે, પરંતુ હાલમાં રિઝર્વ બેંકની પ્રાથમિકતા વૃદ્ધિને પ્રોત્‍સાહન આપવાની છે. જો વિવિધ વ્‍યાજ દરો ફરીથી ઘટાડવામાં આવે તો હોમ લોન, કાર લોન વગેરે સસ્‍તી થશે. તેમજ EMIનો બોજ પણ ઓછો થશે.

રિઝર્વ બેંક માને છે કે ફુગાવાનો દર ટૂંક સમયમાં સરકાર દ્વારા નક્કી કરાયેલી મર્યાદામાં આવશે. આ માટે તે વ્‍યાજ દર ઘટાડવા સિવાય પણ ઘણા પગલાં લઈ શકે છે. મોનેટરી પોલિસી કમિટી (MPC) ની તાજેતરની બેઠકની વિગતોમાંથી આ વાત બહાર આવી છે. આ બેઠક શુક્રવારે થઈ હતી. તમને જણાવી દઈએ કે MPC ની બેઠક આ મહિને ૫ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી.

રિઝર્વ બેંકે ૭ ફેબ્રુઆરીના રોજ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. તે સમયે કેન્‍દ્રીય બેંકે રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્‍ટનો ઘટાડો કર્યો હતો. તે હવે ૦.૨૫% ઘટીને ૬.૨૫% થઈ ગયું છે. ૫ વર્ષમાં આ પહેલી વાર હતું જ્‍યારે વ્‍યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્‍યો હતો. હવે તેની અસર દેખાવા લાગી છે. SBI અને PNB સહિત ઘણી બેંકોએ વ્‍યાજ દર ઘટાડયા છે અને લોકોને સસ્‍તી લોન મળી રહી છે.

MPC એ એ પણ સૂચવ્‍યું હતું કે વૈશ્વિક વેપાર પડકારોની ફુગાવા પર બહુ ઓછી અસર પડશે. ઉપરાંત, ઊંચા વાસ્‍તવિક વ્‍યાજ દરો ઉધાર ખર્ચમાં વધુ ઘટાડો કરવાની તક પૂરી પાડે છે. વાસ્‍તવિક વ્‍યાજ દર એટલે વ્‍યાજ દર અને ફુગાવાના દર વચ્‍ચેનો તફાવત. જો વ્‍યાજ દર ઊંચો હોય અને ફુગાવો ઓછો હોય તો વાસ્‍તવિક વ્‍યાજ દર ઊંચો હોય છે.

રિઝર્વ બેંકની યોજના શું છે ?

MPC ના જે બાહ્‍ય સભ્‍યો છેલ્લી બે બેઠકોમાં વ્‍યાજ દર ઘટાડવાના પક્ષમાં હતા તેઓ માને છે કે વર્તમાન નાણાકીય નીતિ ખૂબ જ કડક છે. ધિરાણ વૃદ્ધિમાં ઘટાડાને ધ્‍યાનમાં રાખીને, વપરાશ અને રોકાણને વધારવા માટે વ્‍યાજ દર ઘટાડવા જરૂરી છે. આનો અર્થ એ થયો કે રિઝર્વ બેંક આગામી દિવસોમાં વ્‍યાજ દરમાં વધુ ઘટાડો કરી શકે છે.

રિઝર્વ બેંકના નવા ગવર્નર સંજય મલ્‍હોત્રાએ તેમની પ્રથમ MPC બેઠકમાં વ્‍યાજ દરમાં ઘટાડાને ટેકો આપ્‍યો હતો. તેમણે કહયું કે વર્તમાન પરિસ્‍થિતિ અને ફુગાવાના દરને ધ્‍યાનમાં લેતા, વ્‍યાજ દર ઘટાડવાનો આ યોગ્‍ય સમય છે. તેમનું માનવું છે કે ઓછા વ્‍યાજ દરથી કળષિનો વિકાસ થશે, લોકોના ખર્ચમાં વધારો થશે, ઘરોમાં રોકાણ થશે અને કંપનીઓ પણ મૂડીનું રોકાણ કરશે. આનાથી દેશની અર્થવ્‍યવસ્‍થાને વેગ મળશે.

(11:58 AM IST)