<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

કેન્દ્રિય મંત્રી શિવરાજ શિંહ ચૌહાણે ભોપાલથી દિલ્હી જતી ફ્લાઈટમાં ક્ષતિગ્રસ્ત સીટ ફાળવવામાં આવતા હોબાળો મચ્‍યો

ટાટાની માલિકીની એર ઈન્ડિયાની આકરી ટીકાને પાત્ર બન્‍યાઃ ચૌહાણે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યોઃ ડીજીસીએનો એરલાઈન્સ સામે તપાસનો આદેશ

ભોપાલ-મુંબઈ : કેન્દ્રિય મંત્રી શિવરાજ શિંહ ચૌહાણે ભોપાલથી દિલ્હી જતી ફ્લાઈટમાં તેમને ક્ષતિગ્રસ્ત સીટ ફાળવવામાં આવતા ટાટાની માલિકીની એર ઈન્ડિયાની આકરી ટીકા કરી હતી. તેમણે પોતાના અનુભવને અનૈતિક ગણાવતા ધ્યાન દોર્યું કે એરલાઈન પૂરા ચાર્જીસ વસૂલતી હોવા છતાં અગવડદાયક બેઠક પૂરી પાડે છે. ચૌહાણે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કરતા લખ્યું કે તેમની સીટ ૮સી તૂટેલી અને ખૂંપી ગયેલી હોવાથી તેમના માટે બેસવું પણ મુશ્કેલ હતું. જ્યારે તેમણે આ મુદ્દો ક્રુ સમક્ષ ઉપસ્થિત કર્યો ત્યારે ક્રુએ કબૂલ કર્યું કે મેનેજમેન્ટને પહેલેથી આ સમસ્યા વિશે જાણકારી હતી.
સહપ્રવાસીઓએ ચૌહાણને પોતાની સીટ ઓફર કરવા છતાં તેમણે ક્ષતિગ્રસ્ત સીટ પર જ પોતાની સફર પૂરી કરવાનું નક્કી કર્યું. તેમણે હતાશા વ્યક્ત કરતા કહ્યું કે ટાટાની માલિકી છતાં એર ઈન્ડિયાની સેવામાં સુધારો નથી થયો અને એરલાઈન આ બાબતે સુધારો કરશે કે પછી પ્રવાસ કરવાની તાત્કાલિક જરૂર હોય તેવા પ્રવાસીઓનું શોષણ કરવાનું ચાલુ રાખશે તેવો સવાલ ઉપસ્થિત કર્યો.
ચૌહાણની સોશિયલ મીડિયા પોસ્ટ પછી સિવિલ એવિયેશન મંત્રી કે.રામમોહન નાયડુએ તાત્કાલિક એર ઈન્ડિયાને જરૂરી પગલા લેવાની તાકીદ કરી જ્યારે ડીજીસીએએ આ બાબતે એરલાઈન પાસેથી અહેવાલ માગ્યો. એર ઈન્ડિયાએ ત્યાર પછી અગવડ માટે માફી માગી અને ભાવિમાં આવા બનાવો ન બને તેના માટે આંતરિક તપાસનો આદેશ આપ્યો.
ચૌહાણે સ્પષ્ટતા કરી કે તેમની ચિંતા અંગત અગવડની નહોતી પણ પ્રવાસીઓને સ્પર્શતા વ્યાપક મુદ્દા બાબતે હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે એરલાઈન્સે તેમના ચાર્જની બદલીમાં પ્રવાસીઓને યોગ્ય સેવા આપવી જ જોઈએ. આ ઘટનાએ નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કર્યું જેના પરિણામે એર ઈન્ડિયાએ જાહેરમાં ફરિયાદની નોંધ લેવી પડી અને સુધારાત્મક પગલા લેવાની ખાતરી આપવી પડી.

(11:07 AM IST)