<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

નાગપુરમાં ઉદ્ઘાટનના બીજે દિવસે ફ્લાય ઓવરનો એક હિસ્સો કડાકાભેર ધરાશાયી

પુલ નીચેથી પસાર થતા ભાજપના એક નેતાના પુત્રને ઇજાગ્રસ્‍તઃ ગુરૂવારે પુલનું વાજતેગાજતે ઉદ્ઘાટન કરવામાં આવ્‍યું હતું

નવી દિલ્‍હીઃ  બિહારમાં નવા બંધાયેલા પુલ તૂટી પડવાની ઘટનાઓનો પડઘો મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરમાં પડયો હતો. પારડી વિસ્તારમાં નવા બંધાયેલા ફ્લાયઓવરનું ગુરુવારે વાજતેગાજતે ઉદ્ઘાટન કરવામાં આવ્યા પછી શુક્રવારે પુલનો એક હિસ્સો કડાકાભેર તૂટી પડયો હતો. આ ભાગ નીચેથી પસાર થતી કાર ઉપર પડતા ભાજપના એક નેતાના પુત્રને નજીવી ઈજા થઈ હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હોમ સિટી નાગપુરમાં પારડીના નવા બ્રિજનું કેવું તકલાદી બાંધકામ કરવામાં આવ્યું છે તેનો આ દુર્ઘનાથી ખ્યાલ આવે છે.આ અગાઉ વર્ધા રોડ પરના બુટ્ટીબોર ફ્લાયઓવર બ્રિજનો હિસ્સો તૂટી પડતા વાહનોની અવરજવર પર માઠી અસર થઈ હતી. આ ઘટના હજી તાજી જ છે ત્યાં સાવ હલકા દરજ્જાના બાંધકામને લીધે પારડી બ્રિજનો હિસ્સો ધરાશાયી થતા વિપક્ષોને સત્તાધારી મહાયુતી સરકારને માથે માછલાં ધોવાની તક મળી ગઈ છે.
પારડીના પ્રજાપતી ચોકમાં નવા બંધાયેલા પુલનું ગુરુવારે ઉદ્ઘાટન થયું હતું. ત્યાર પછી શુક્રવારે બપોરે બે વાગ્યે પુલનો એક ભાગ તૂટી પડયો હતો. આ પ્લાસ્ટરનો ભાગ નીચેના રસ્તા પરથી પસાર થતી ભાજપના સ્થાનિક નેતા નવનીત શ્રીવાસ્તવના દીકરાની કાર ઉપર પડવાથી સનરૂફ અને વિંડશિલ્ડ તૂટી ગયા હતા. સદ્ભાગ્યે કારચાલકને માથેથી મોટી ઘાત ગઈ હતી. જોકે તેને નજીવી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્રણ વર્ષ પહલાં પારડી-કળમ પુલનો એક ભાગ તૂટી પડયો હતો. ત્યાર પછી નવા બંધાયેલા પુલનો હિસ્સો તૂટી પડતા કેટલા હલકા દરજ્જાનું બાંધકામ થયું હ શે એ દેખાઈ આવે છે. શુક્રવારની દુર્ઘટના બાદ તરત જ આ પુલ વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
બીજી તરફ એનએચઆઇના નાગપુરના પ્રાદેશિક અધિકારી આર.પી. સિંહે બચાવ કરતા કહ્યું હતું કે પુલના પ્લાસ્ટરનો કેટલોક ભાગ તૂટી પડયો હતો, આમાં કોઈ મોટી ત્રુટી નથી. પુલ પરનો ટ્રાફિક બંધ રાખી સમારકામ કરવામાં આવશે.

(11:07 AM IST)