<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? ભારતના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો સંકેત

અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકને કારણે ઈંધણની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના જેનાથી ફુગાવા પર કાબૂ મેળવવામાં મદદ મળશે

નવી દિલ્હી તા.૨૩

કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકને કારણે ઈંધણની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ફુગાવા પર કાબૂ મેળવવામાં મદદ મળશે. એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પના નવા વહીવટી તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો છે.

ભારત-અમેરિકાના સંબંધો પર પડશે અસર

પુરીએ કહ્યું કે ઉર્જાના મોર્ચા પર ભારત-અમેરિકાના સંબંધ વધુ મજબૂત થશે. કેન્દ્રીય મંત્રી અનુસાર ભારત આર્જેન્ટીના સહિત 40 દેશોથી તેલ આયાત કરે છે અને દુનિયામાં પર્યાપ્ત તેલ છે, તેથી તેલ ઉત્પાદક દેશ જે ઘટાડો કરી રહ્યાં છે, તેણે પણ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે મજબૂર થવું પડશે.

તેમણે એમ પણ કહ્યું કે તેલની ખરીદીમાં ડોલરનો ઉપયોગ દૂર કરવાનો ઈરાદો ક્યારેય નહોતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'મોટાભાગના વ્યવહારો ડોલરમાં થાય છે અને હંમેશા ડોલરમાં થાય છે.'

ટ્રમ્પે કહ્યું- 'ડ્રિલ, બેબી, ડ્રિલ'

પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, "અમેરિકામાં, તેમણે (ટ્રમ્પ) કહ્યું, 'ડ્રિલ, બેબી, ડ્રિલ.' જે વધુ ડ્રિલિંગ કરવા અને વધુ તેલ કાઢવાનો સંકેત છે, તેમણે સત્તાવાર રીતે કહ્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય તેલના ભાવ ઘટાડવા માંગે છે.

પુરીએ કહ્યું, "તેથી, મને લાગે છે કે વૈશ્વિક ઊર્જાની સ્થિતિ સુધરશે. બજારમાં વધુ તેલ આવશે અને આશા છે કે તેનાથી કિંમતોને નીચે લાવવામાં મદદ મળશે. જ્યારે નીચા ભાવે પૂરતી માત્રામાં ઊર્જા ઉપલબ્ધ હોય છે, ત્યારે તે ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે."

તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભારતનો પ્રાથમિક ઉદ્દેશ ફુગાવાને કાબૂમાં લેવા માટે 'નીચા ભાવે' પૂરતું તેલ ખરીદવાનું છે.

(3:01 PM IST)