News of Sunday, 23rd February 2025
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીને વિધાનસભામાં વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા : AAPના ધારાસભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય
આતિશીએ કાલકા બેઠક પરથી જીત મેળવી પક્ષનું નાક રાખ્યું હતું,પક્ષની અંદર તે મજબૂત મહિલા નેતા તરીકે ઉભરી આવ્યા

નવી દિલ્હી તા.૨૩
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીને દિલ્હી વિધાનસભામાં વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે. આજે રવિવારે આમ આદમી પાર્ટીની ઓફિસમાં ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે. બેઠકમાં તમામ ધારાસભ્યોએ વિપક્ષના નેતા તરીકે વિધાનસભા ગૃહમાં પ્રતિનિધિત્વ કરશે.
આતિશી હવે દિલ્હી વિધાનસભામાં વિપક્ષ નેતાની ભૂમિકા નિભાવશે. તે કાલકા બેઠક પરથી ધારાસભ્ય છે. અગાઉ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ તેઓ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. મુખ્યમંત્રી આતિશીની કામકાજના કારણે પક્ષમાં તેમનું કદ વધ્યું છે.
પક્ષ હાર્યો, આતિશીએ નાક રાખ્યું
વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને સૌરભ ભારદ્વાજ જેવા પક્ષના દિગ્ગજ નેતાઓની કારમી હાર થઈ હતી. પરંતુ આતિશીએ કાલકા બેઠક પરથી જીત મેળવી પક્ષનું નાક રાખ્યું હતું. પક્ષની અંદર તે મજબૂત મહિલા નેતા તરીકે ઉભરી આવ્યા છે. જેના લીધે વિપક્ષના નેતા તરીકે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
મહિલા મુખ્યમંત્રી સામે મહિલા વિપક્ષ
ભાજપે દિલ્હીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રીની કમાન રેખા ગુપ્તાને સોંપી છે. મહિલા મુખ્યમંત્રીની સામે આમ આદમી પાર્ટીએ મહિલા વિપક્ષનો ચહેરો પસંદ કર્યો છે. CM રેખા ગુપ્તા શાલીમાર બાગ બેઠક પરથી ચૂંટાયા હતાં. રેખા ગુપ્તા આક્રમક અંદાજ માટે જાણીતા છે. જેથી તેમની સામે મજબૂત દાવેદાર તરીકે આતિશીને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે.
હારની સમીક્ષા કરી રહી છે AAP
દિલ્હી વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ આમ આદમી પાર્ટી સમીક્ષા કરી રહી છે. તે હારના કારણો જાણવા પ્રયાસો કરી રહી છે. જેના માટે લોકસભા, વિધાનસભા, જિલ્લા અને વોર્ડ સ્તરના મુખ્ય સંગઠનોના નેતાઓની ચૂંટણીમાં ભૂમિકાનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી દિલ્હી પ્રદેશ સંયોજક ગોપાલ રાયે જણાવ્યું કે, હવે નવેસરથી સંગઠનમાં તમામ વિંગ્સનું પુનઃગઠન કરવામાં આવશે. દિલ્હીમાં પક્ષને મજબૂત બનાવવા નવી રણનીતિઓ ઘડવા પર કામ થઈ રહ્યું છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
