News of Monday, 24th February 2025
આવતા સપ્તાહે ટ્રમ્પ યુક્રેન યુદ્ધનો અંત લાવશે
ઝેલેન્સકી ખનીજ અંગેના કરાર માટે રાજીઃવ્હાઇટ હાઉસે આપી માહિતી

વોશીંગ્ટન, તા.૨૪: યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયાની શરૂઆતમાં ક્રેમલિન સાથે ‘સોદો' કરીને યુક્રેન સામે રશિયાના યુદ્ધનો અંત લાવી શકે છે.
વ્હાઇટનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે વોશિંગ્ટન નજીક કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC) ને સંબોધિત કરતી વખતે કહયું હતું કે, હું ઈચ્છું છું કે યુક્રેન અમને અમારા રોકાણ કરેલા બધા પૈસાના બદલામાં કંઈક પાછું આપે. આપણે દુર્લભ ખનિજો અને તેલ શોધી રહ્યા છીએ.મને લાગે છે કે આપણે એક કરારની ખૂબ નજીક છીએ, અને આપણે કરારની ખૂબ નજીક રહેવું વધુ સારું છે, કારણ કે આ યુદ્ધ ખૂબ જ ભયાનક સ્થિતિમાં છે. ટ્રમ્પે કહયું. તે જ સમયે, અમેરિકાના પ્રવાસે રહેલા બ્રિટિશ પીએમ કીર સ્ટારમરે કહ્યું છે કે યુક્રેનને યુક્રેન શાંતિ કરારમાં સામેલ ન કરવું જોઈએ તે બિલકુલ યોગ્ય નથી.
ઝેલેન્સકીને જેલમાં ધકેલી દેવામાં આવશે... ઝેલેન્સકીના ભૂતપૂર્વ સલાહકાર એલેસી એરેસ્ટોવિચે કહયું છે કે જો તેઓ દેશના નવા રાષ્ટ્રપતિ બનશ, તો તેઓ વર્તમાન યુક્રેનિયન નેતા વોલોડીમીર ઝેલેન્સકી અને તેમના સમગ્ર ‘ગેંગ'ને જેલમાં ધકેલી દેશે. એરેસ્ટોવિચે કહયું કે તેમનું ભાગ્ય આખરે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે.
યુદ્ધની ત્રીજી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ રશિયાએ યુક્રેન પર પોતાનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે મોસ્કોએ રાતોરાત ૨૬૭ થી વધુ ડ્રોન હુમલા કર્યા છે. ઝેલેન્સકીએ કહયું કે છેલ્લા અઠવાડિયામાં રશિયાએ યુક્રેન પર કુલ ૧,૧૫૦ ડ્રોન, ૧,૪૦૦ થી વધુ હવાઈ બોમ્બ અને વિવિધ પ્રકારના ૩૫ મિસાઇલો છોડયા છે. યુક્રેનિયન વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આમાંથી મોટાભાગના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.(૨૩.૧૦)
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
