News of Monday, 24th February 2025
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફલાઈટમાં બોમ્બની ધમકી
ફલાઇટને રોમ ડાયવર્ટ કરવામાં આવીઃ યુરોપિયન એર ટ્રાફિક કંટ્રોલને પણ સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું

નવી દિલ્હી,તા.૨૪: ભારતમાં અનેક એરલાઇન્સ અને એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી રહી છે. આ દરમિયાન અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફલાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જેના પગલે આ ફલાઇટને રોમ ડાયવર્ટ કરવામાં આવી છે. અમેરિકા મીડિયાના અહેવાલ અનુસાર સુરક્ષા કારણોસર ફલાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફલાઇટ અમેરિકન એરલાઇન્સની છે. બોમ્બની ધમકી બાદ અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA૨૯૨ ને રોમના ફિયુમિસિનો એરપોર્ટ પર કટોકટીમાં ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. જેમાં ક્રૂ મેમ્બર્સને વિમાનમાં વિસ્ફોટક ઉપકરણ હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના પગલે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. એરનેવ રડાર ટ્રેકિંગ સેવા અનુસાર વિમાને ભૂમધ્ય સમુદ્ર પર અચાનક પોતાનો રુટ બદલી નાખ્યો અને ઇમરજન્સી લેન્ડિંગ માટે રોમ તરફ ડાયવર્ટ થયું હતું.જેની બાદ રોમ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને કાયદા અમલીકરણ એજન્સીઓ સહિત ઇટાલિયન અધિકારીઓ આ અંગે હાઇ એલર્ટ પર છે. વિમાન એરપોર્ટ પર પહોંચ્યા પછી પરિસ્થિતિને સંભાળવા માટે ખાસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે. યુરોપિયન એર ટ્રાફિક કંટ્રોલને પણ સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.અહેવાલ મુજબ, અમેરિકન એરલાઇન્સના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરી છે કે ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.(૪૦.૭)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
