News of Tuesday, 25th February 2025
રાશનમાં મળતા ઘઉં ખાવાથી મહારાષ્ટ્રના ગામડાના લોકોના વાળ ખર્યા હતાં
રિપોર્ટમાં થયો ખુલાસો...છ રહેવાસીઓના લોહી અને ઘઉંના સેમ્પલ લીધા, જેમાં તમામ વિષયોમાં સેલેનિયમના ઉચ્ચ સ્તરો અને ઝિંકના નીચા સ્તરો જોવા મળ્યા હતા જિલ્લાના લગભગ ૧૫ જેટલા ગામોમાંથી ૩૦૦ જેટલા લોકોના વાળ અચાનક ખરી ગયા હોવાનું સામે આવ્યું હતું

બુલઢાણા,તા.૨૫: થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં બુલઢાણા જિલ્લાના લગભગ ૧૫ જેટલા ગામોમાંથી ૩૦૦ જેટલા લોકોના વાળ અચાનક ખરી ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે લોકોમાં એવી ચર્ચા શરુ થઈ હતી કે આખરે આવું કઈ રીતે બની શકે, જોકે હવે આ ઘટના પાછળનું કારણ સામે આવી ગયું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આવું એટલા માટે બન્યું છે કેમ કે અહીં રહેતા લોકોના લોહીમાં સેલેનિયમનું ઉચ્ચ સ્તર અને ઝિંકના લો સ્તર હોવાના કારણે બને છે.
જાલનાના ડોક્ટર હિમ્મતરાવ બાવસ્કા, કે જેઓ વીંછીના ડંખ પર સંશોધન માટે જાણીતા છે, તેમણે આ વાળ ખરવાની સમસ્યા પર એક મહિનાના લાંબા સંશોધન બાદ હવે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ‘આ સમસ્યા સસ્તા અનાજની દુકાન પર મળતા ઘઉંના કારણે થઈ શકે છે.' આ ઘટના અંગે ડોક્ટર જણાવે છે કે, ‘અમે ભોંગાવ ગામના સરપંચ પાસેથી ઘઉંના સેમ્પલ લીધા હતા. અહીં પણ ગામના લોકો ટકલા થઈ ગયા હતા.' બાવસ્કાએ જણાવ્યું કે તેમની ટીમે અસરગ્રસ્ત ગામોના છ રહેવાસીઓના લોહી અને ઘઉંના સેમ્પલ લીધા, જેમાં તમામ વિષયોમાં સેલેનિયમના ઉચ્ચ સ્તરો અને ઝિંકના નીચા સ્તરો જોવા મળ્યા હતા.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં બુલઢાણાના અનેક ગામોમાં ઘણા રહેવાસીઓએ અચાનક વાળ ખરવાની સમસ્યા અનુભવી હતી. આ સ્થિતિ હવે બંધ થઈ ગઈ છે અને અસરગ્રસ્ત ઘણા લોકોના વાળ ફરીથી ઉગ્યા છે કારણ કે મૂળ પર અસર થઈ ન હતી.
ભારતીય વૈજ્ઞાનિક સંશોધન પરિષદ અને નવી દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સેઝે કેટલાક અસરગ્રસ્ત રહેવાસીઓના લોહીના સેમ્પલ એકઠા કર્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ અજ્ઞાત અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે તેમના તપાસ રિપોર્ટ આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવ્યા છે. વધુમાં આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભારતીય વૈજ્ઞાનિક સંશોધન પરિષદના અધિકારીઓએ પણ જણાવ્યું કે સસ્તા અનાજની દુકાનમાં મળતા ઘઉંમાં સેલેનિયમના ઉચ્ચ સ્તરો હોઈ શકે છે.
જાન્યુઆરીમાં, ધ હિન્દુએ ભારતીય વૈજ્ઞાનિક સંશોધન પરિષદના અજ્ઞાત અધિકારીઓને ટાંકીને લખ્યું હતું કે આ સ્થિતિ માટે વૈજ્ઞાનિક શબ્દ એનેજન એફ્લુવિયમ છે, જે વાળ ખરવાની એક પ્રકારની સ્થિતિ છે, જ્યારે વળદ્ધિની અવસ્થામાં વાળને નુકસાન થાય છે. (પ્રતિકાત્મક તસવીર)
સેલેનિયમ રક્તમાં એક આવશ્યક તત્વ છે જે એન્ટીઓક્સિડન્ટ રક્ષણ, હૃદયસંબંધિત કાર્ય અને અન્ય ચયાપચય પ્રક્રિયાઓમાં મદદ કરે છે. જોકે, સેલેનિયમના સામાન્ય કરતાં વધુ અથવા ઓછા સ્તરો શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ઝિંક, શરીરમાં મળતા પોષક તત્વ, રોગ-તિકારક શક્તિ અને ચયાપચય કાર્યમાં મદદ કરે છે. તે વાળની વળદ્ધિમાં પણ સહાય કરે છે.
બાવસ્કાએ જણાવ્યું કે ઘઉંમાં સેલેનિયમનું સામાન્ય પ્રમાણ ૦.૧ થી ૧.૯ mg/kg હોય છે. જોકે, અસરગ્રસ્ત ગામોમાંથી એકત્રિત ઘઉંના નમૂનાઓમાં સેલેનિયમનું પ્રમાણ લગભગ ૧૪.૫૨ mg/kg હતું. ધોયેલા ઘઉંના નમૂનામાં સેલેનિયમનું પ્રમાણ લગભગ ૧૩.૬૧ mg/kg હતું. અમે રાશન દુકાનોમાં ઘણી બેગ તપાસી અને જાણ્યું કે તે આ ઘઉં પંજાબમાંથી આવ્યા છે
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
